કોણ હતો એ ટેન્ક મેન? 30 વર્ષેય રહસ્ય અકબંધ, ચીન સરકારના નરસંહારની યાદ…

પેઈચિંગ– વાત ત્રણ દાયકા જૂની છે. 1989ના જૂનના પ્રારંભમાં હજારોની સંખ્યામાં લોકો ચીનના તિયાનમેન સ્ક્વેર ખાતે ભેગા થયા હતાં 3જી જૂને ચાઈનિઝ આર્મીને પાટનગર બેજિંગના તિયાનમેન સ્ક્વેર પર લગભગ સાતેક અઠવાડિયાથી ચાલી રહેલાં પ્રદર્શનોનો અંત આણવા આદેશ અપાયાં. સામ્યવાદી સરકારના આદેશ છૂટ્યા અને એ બાદ જે પણ ઘટ્યું એને વિશ્વ ‘તિયાનમેન નરસંહાર’ તરીકે ઓળખે છે.

પરંતુ અહી વાત છે એ નરસંહાર બાદ એક એવી તસવીર સામે કે જે આ સમગ્ર વિરોધ-પ્રદર્શનનું પ્રતીક બની. 5 જૂને તોપો તિયાનમેન સ્ક્વેર પરથી પરત ફરી. એ વખતે સાવ સામાન્ય જણાતી એક વ્યક્તિ હાથમાં પ્લાસ્ટિકની કોથળી સાથે પરત ફરી રહેલી તોપોની સામે આવીને ઊભી રહી ગઈ.

આજે ત્રણ દાયકા પૂર્ણ થઈ ગયા હોવા છતાં એ વ્યક્તિને લોકો યાદ કરી રહ્યા છે. પરંતુ એ વ્યક્તિ કોણ હતું તે આજે પણ એક રહસ્ય બનેલું છે.

તિયાનમેન ચોક પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને ચીને ખરાબ રીતે કચડી નાખ્યું હતું અને ટેન્કો દ્વારા ગોળા વરસાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આજે સાયબર સૂચનાના જમાનામાં જ્યારે કશું પણ ગુપ્ત નથી રહેતુ અને વિશ્વના કોઈપણ ખુણાની સુચના જાહેર થતાં વાર નથી લાગતી. પરંતુ આજે 30 વર્ષ પછી પણ એ ટેન્ક મેન અંગે માત્ર અંદાજો જ લગાવી શકાય છે. આજે પણ તે કહાનીઓનો જ ભાગ છે, હક્કીકત કોઈને નથી ખબર.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ટેન્ક મેનની તસવીર 5 જૂન 1989ના રોજ લેવામાં આવી હતી. આ તસવીર એ સમયની હતી જ્યારે તિયાનમેન ચોક પરથી નરસંહાર કરીને ટેન્કો પરત આવી આવી રહી હતી. પેઈચિંગમાં જે સમયે સરકારી હિંસાનો તાંડવ ચાલી રહ્યો હતો તે સમયે જ ટેન્કોના કાફલા સામે ઉભેલા એક સામાન્ય વ્યક્તિની તસવીર સામે આવી હતી. સફેદ શર્ટ પહેરેલા એ વ્યક્તિના હાથમાં પ્લાસ્ટિકની બેગ હતી અને તે ટેન્કોના કાફલા સામે નિડરતાથી ઉભો હતો.

ટેન્ક મેનની તસવીર એક હોટલની બાલકનીમાંથી વિદેશી મીડિયા સંસ્થાઓના કેટલાક પત્રકારોએ લીધી હતી. 20મી સદીની સૌથી ચર્ચિત તસવીરોમાની એક ટેન્ક મેનની તસવીર છે. પશ્ચિમી દેશોના તમામ લોકો કહે છે કે, ટેન્ક મેન વેસ્ટર્ન વર્લ્ડના મૂલ્યો અને આકાંક્ષાઓનો પ્રતિનિધિ છે.

ચીનના પ્રોપોગેન્ડા મેનેજર્સનું કહેવું છે કે, આ તસવીર દર્શાવે છે કે, અમારા દેશે કેવી રીતે વિરોધનો સામનો શાંતિપૂર્ણ રીતે કર્યો. તેમના અનુસાર ચીની સેનાએ ટેન્ક મેનનું કત્લ ન કરીને દેખાડ્યું કે કેવી રીતે તે વિરોધના સ્વરને પણ સાંભળે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન સરકારે ટેન્ક મેનની યાદોને ખત્મ કરવાનો પ્રયાસ કર્યો છે. ચીન સરકારે ટેન્ક મેનની ઓનલાઈન તસવીરોને સેન્સર કરવાની સાથે જ તેમની તસવીરોને આગળ વધારતા લોકોને સજા પણ ફટકારી છે.