હાફિઝને પાકિસ્તાનથી સ્થળાંતર કરવાના પ્રસ્તાવને ચીને પાયાવિહોણો ગણાવ્યો

ઈસ્લામાબાદ- આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાનથી બહાર પશ્ચિમ એશિયાના કોઈ અન્ય દેશમાં સ્થળાંતર કરવાના મીડિયા રિપોર્ટ્સ પર ચીને પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ પ્રકારની ખબરોને આધારહીન અને ભ્રમિત કરનારી ખબરો ગણાવી છે. ચીન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ પ્રેસિડેન્ટ જિનપિંગ તરફથી પાકિસ્તાનને આપવામાં આવ્યો નથી.આપને જણાવી દઈએ કે મીડિયામાં એવો રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે, ચીને હાફિઝ સઈદને પાકિસ્તાનથી ખસેડી પાશ્ચિમ એશિયાના અન્ય કોઈ દેશમાં સ્થળાંતર કરવાનું સૂચન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે પાકિસ્તાનના વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન આ સૂચન કર્યું હતું. ચીનના પ્રેસિડેન્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ પર સતત વધી રહેલા વૈશ્વિક દબાણને દુર કરવા પાકિસ્તાનને ઉપરોક્ત સૂચન કર્યું હોવાના સમાચાર પ્રકાશિત થયા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન શાહીદ અબ્બાસીના નજીકના સૂત્રોથી જણાવવામાં આવ્યું હતું કે, બીઓ સમિટમાં મુલાકાત દરમિયાન ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગે પાકિસ્તાનના પીએમને ઉપરોક્ત સૂચન કર્યું હતું. આ રિપોર્ટ્સ પર સત્તાવાર નિવેદન બહાર પાડતા ચીને જણાવ્યું કે, ‘આ પ્રકારના કોઈ અહેવાલમાં સત્ય નથી. આ સંપૂર્ણ રીતે ખોટા, પાયાવિહોણા અને ભ્રમિત કરનારા સમાચાર છે’.