ફક્ત ગ્વાદર પોર્ટ નહીં ચીનનું મિશન છે પાકિસ્તાનનું પુન:નિર્માણ

બિજીંગ- ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ અંતર્ગત ગ્વાદર એરપોર્ટના નિર્માણ બાદ હવે ચીન પાકિસ્તાનના સંબંધો નવી દિશા તરફ આગળ વધી રહ્યા છે. ચીન સરકારે હવે પાકિસ્તાનમાં એવિએશન અને ઓટોમોબાઈલ સેક્ટરમાં રોકાણ કરવાની તૈયારી કરી લીધી છે. જે અંતર્ગત ચીને પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સને મજબૂત કરવા અને પાકિસ્તાન સાથે ભાગીદારીમાં ચીનની એરલાઈન્સનું નિર્માણ કરશે.બન્ને દેશો વચ્ચે આ કરાર પાકિસ્તાનના વડાપ્રધાનના એવિએશન સેક્ટરના સલાહકાર સરદાર મેહતાબ અહમદ ખાન અને પાકિસ્તાનમાં ચીનના રાજદૂત યાઓ જિંગ વચ્ચે કરવામાં આવ્યો હતો. ગત સપ્તાહે યોજાયેલી બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાતમાં પાકિસ્તાનના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અંગેની રુપરેખા તૈયાર કરવામાં આવી હતી.

ચીન સરકારનું માનવું છે કે, ચીન અને પાકિસ્તાન વચ્ચે વન બેલ્ટ વન રોડ (OBOR) યોજનાનો વિસ્તાર થવાથી પાકિસ્તાન અમે ચીન વચ્ચે વ્યાપારની વૈશ્વિક કડીમાં મહત્વનું યોદગાન બની રહેશે. ઉપરાંત આગામી સમયમાં બન્ને દેશો વચ્ચે એરટ્રાફિકમાં પણ વિસ્તાર જોવા મળશે.