વિશ્વના સૌથી મોટા દરિયાઈ સૈન્યઅભ્યાસમાં ભારત સહિત 26 દેશો સામેલ થશે

વોશિંગ્ટન- અમેરિકાના હવાઈ દ્વીપ અને દક્ષિણ કેલિફોર્નિયા પાસે આગામી 27 જૂનથી 2 ઓગસ્ટ દરમિયાન પ્રશાંત મહાસાગરમાં યોજાનારા રિમ ઓફ પેસિફિક સૈન્ય અભ્યાસમાં ભારત સહિત 26 દેશ ભાગ લેશે. વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા દરિયાઈ સૈન્ય અભ્યાસની જાહેરાત પેન્ટાગોને કરી છે. બે વર્ષે એકવાર યોજાતા સૈન્યઅભ્યાસમાં 47 યુદ્ધજહાજ, 5 સબમરીન, 18 રાષ્ટ્રીય લશ્કરી દળો, 200થી વધુ વિમાન અને 25 હજાર સૈનિક ભાગ લેશે.સૈન્યઅભ્યાસની જાહેરાત પહેલાં અમેરિકાએ રિમપેક-2018 માટે ચીનને નિમંત્રણ મોકલાવ્યું નથી. ચીને આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અમેરિકાના પગલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. અમેરિકાની થર્ડ ફ્લિટ પબ્લિક અફેર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર બ્રાઝિલ, ઈઝરાયલ, શ્રીલંકા અને વિયેતનામ આ સૈન્યઅભ્યાસમાં પ્રથમ વખત ભાગ લઈ રહ્યા છે.

આ વર્ષની સૈન્યઅભ્યાસની થીમ છે સક્ષમ, મૈત્રીપૂર્ણ સહભાગી. આ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કેનેડા, ચીલી, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પેરુ, દક્ષિણ કોરિયા, ફિલિપાઈન્સ, સિંગાપુર, થાઈલેન્ડ, ટોન્ગા અને બ્રિટન ભાગ લેશે. રિમપેક સૈન્યઅભ્યાસની શરુઆત વર્ષ 1971માં કરવામાં આવી હતી.