આખા ભારત પર નજર! ચીને બનાવ્યું શક્તિશાળી રડાર

બેઇજિંગ- ચીને એક એવા શક્તિશાળી રડાનનું નિર્માણ કર્યું છે, જે સમગ્ર ભારતના આકાર જેટલા વિસ્તાર પર સતત નજર રાખી શકે છે. એવો એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ચીને સમગ્ર ભારત પર નજર રાખી શકે તેવા અત્યાધુનિક દરિયાઇ રડાર વિકસિત કર્યું હોવાનો દાવો કર્યો છે. બુધવારે મીડિયા તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટે આ રિપોર્ટ આપ્યો હતો. ચીનમાં જ વિકસિત કરાયેલ રડાર નાના મોટા ભાગો નહીં પરંતુ સમગ્ર ભારત જેટલા મોટા વિસ્તાર પર નજર રાખી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય આ રડાર સિસ્ટમ વર્તમાન ટેકનોલોજીની સરખામણીમાં દુશ્મનોના જહાજો, વિમાનો અને મિસાઇલ્સથી ઉદભવતા ખતરા પહેલા સેનાને ચેતવણી આપી દેશે.

ચાઈના મોર્નિંગ પોસ્ટે કહ્યું કે, અત્યાધુનિક કોમ્પેક્ટ સાઇઝના રડારની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે નેવીના વિમાનવાહકમાં તહેનાત કરાયા પછી સમગ્ર ભારત જેટલા વિસ્તાર પર નજર રાખી શકશે. ચીનના રાષ્ટ્રપતિએ રડાર વિકસાવવા બદલ યોંગતાન અને અન્ય એક મિલિટરી વિજ્ઞાનીક કિયાન ક્વિહૂને વિજ્ઞાન ક્ષેત્રે એનાયત કરવામાં આવતા દેશના સૌથી મોટા પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં, જે પરથી ખ્યાલ આવે છે કે આ કોપ્મેક્ટ રડાર ચીન માટે ઘણું જ મહત્વનું છે.

પીપલ્સ લિબરેશન આર્મી મુજબ પહેલા પ્રણાલીગત સાધનોની મદદથી ચીનના દરિયાઇ વિસ્તારના માત્ર 20 ટકા ભાગમાં ઉપર જ નજર રાખી શકાતી હતી, પરંતુ નવી ટેકનોલોજીએ આર્મીને બહુ મોટા વિસ્તાર પર નજર રાખવા માટે સક્ષમ બનાવી છે.

ચીન આ રડારની મદદથી સમુદ્રમાં, ખાસ કરીને દક્ષિણ ચીન સાગર, હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની મોટા ભાગની માહિતી મેળવી શકશે.