માલદીવ સંકટ: ભારતે આપ્યા શાંતિસેના મોકલવાના સંકેત, ચીનના પેટમાં તેલ રેડાયું

માલદીવ- સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને દેશમાં ઈમરજન્સી લાગૂ કરી છે. આ રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ યામીનની તાનાશાહીના વિરોધમાં માલદીવના વિરોધ પક્ષો અને માલદીવ સુપ્રીમ કોર્ટે ભારત પાસે મદદની અપીલ કરી છે. ત્યારબાદ ભારત તરફથી સંકેત આપવામાં આવ્યા છે કે, આ મામલે માનક સંચાલન પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. જેમાં શાંતિસેના મોકલવાનો પણ પ્રસ્તાવ છે.જોકે હજી સુધી ભારત તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. માત્ર સંકેત આપવામાં આવ્યા છે. પરંતુ એ પહેલા જ ચીનની તકલીફ વધી ગઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે, બિજીંગ માલદીવના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે. ‘અમને આશા છે કે, માલદીવ સરકાર અને ત્યાંના વિરોધપક્ષની પાર્ટીઓ પરસ્પર ચર્ચા દ્વારા કટોકટીનું સમાધાન લાવશે’.

એક તરફ માલદીવ સુપ્રીમ કોર્ટે ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે. બીજી તરફ ચીને વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, માલદીવમાં જે રાજકીય સંકટ સર્જાયું છે તેનું સમાધાન લાવવાની ક્ષમતા ત્યાંની સરકાર અને વિરોધ પક્ષોમાં છે. આ સ્થિતિમાં માલદીવમાં કોઈએ આંતરરાષ્ટ્રીય દખલ કરવું જોઈએ નહીં.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે માલદીવને ભારતથી સતર્ક રહેવા જણાવ્યું છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, માલદીવે પોતાના દેશની સ્વતંત્રતા અથવા માલદીવમાં ભારતની ભૂમિકા બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે. વિસ્તારવાદી નીતિ ધરાવતા ચીને ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ભારત દક્ષિણ એશિયાના દેશો ઉપર પોતાનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરે છે. જેથી માલદીવે ભારતથી સતર્ક રહેવું પડશે.