શું પાક.ને બચાવવા ભારત સાથે ફરીવાર ડોકલામ સંઘર્ષમાં ઉતરશે ચીન?

બિજીંગ- ડોકલામ વિવાદ પર ભારત અને ચીન વચ્ચે સમાધાન થયા બાદ આશા રાખવામાં આવી રહી હતી કે, બન્ને દેશો વચ્ચે સંબંધો સુધરશે. પરંતુ ફરી એકવાર ચીની ડ્રેગને ડોકલામ વિસ્તારમાં પોતાની ગતિવિધિ વધુ તેજ કરી છે. જેથી ભારતની ચિંતા વધે તે સ્વાભાવિક છે.ગત વર્ષે ડોકલામ મુદ્દે ભારત સાથે સમાધાન કર્યા બાદ ચીને આ વિસ્તારમાં ફરીવાર પોતાની સક્રિયતા વધારી દીધી છે. જાણકારોનું માનીએ તો ચીનની આ સક્રિયતા આડકતરી રીતે પાકિસ્તાનને મદદ કરવા માટે છે. ઉલ્લેખનીય છે કે, 2018ની શરુઆતથી જ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય ઉપર પણ રોક લગાવી છે. બીજી તરફ ચીને પાકિસ્તાનનો સહયોગ કર્યો છે અને તેને આર્થિક સહાયતા આપવાની વાત જણાવી છે.

પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને સતત પ્રોત્સાહન આપી રહ્યું હોવાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ રહ્યાં છે. જે અંગે ભારત વૈશ્વિક સમુદાયમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ માહોલ ઉભું કરી રહ્યું છે. આ સંજોગોમાં ચીન પાકિસ્તાનનું મદદગાર બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડોકલામ મામલે ચીન ફરીવાર વિવાદ ઉભો કરી ભારત અને વૈશ્વિક સમુદાયનું ધ્યાન ભટકાવવા માગે છે.

એક અંગ્રેજી અખબાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ મુજબ ચીને ડોકલામના ઉત્તર ભાગને સો ટકા પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. ભારતીય સેનાધ્યક્ષ બિપિન રાવતે પણ થોડા દિવસો પહેલાં જણાવ્યું હતું કે, ડોકલામના ઉત્તર ભાગમાં ચીન તેની સૈન્ય ગતિવિધિ વધારી રહ્યું છે. જનરલ બિપિન રાવતે જણાવ્યું કે, ડોકલામ એ ચીન અને ભૂટાન વચ્ચે આવેલો વિવાદીત વિસ્તાર છે.

ભારતના અમેરિકા સાથેના સુમેળભર્યા સંબંધો અને ઈઝરાયલ સાથેની મિત્રતાથી ચીન અને પાકિસ્તાન બન્નેના પેટમાં તેલ રેડાયું છે. જેથી એશિયા અને વૈશ્વિક સમુદાયમાં ભારતની વધી રહેલી શાખથી ચીનને તકલીફ થઈ રહી છે. ભારતને ડોકલામ મુદ્દે ફસાવી રાખવા ચીન વધુ એકવાર ‘માઈન્ડ ગેમ’ રમી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.