ચીને PM મોદીના અરુણાચલ પ્રવાસનો વિરોધ કર્યો, ભારતનો જડબાતોડ જવાબ

નવી દિલ્હી– ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરૂણાચલ પ્રદેશના પ્રવાસનો વિરોધ કર્યો છે. ચીને કહ્યું કે, ભારતીય નેતૃત્વએ સરહદી વિવાદને વધારે જટિલ બનાવે તે પ્રકારના કોઈ પણ પગલું ભરવાથી બચવું જોઈએ. તો બીજી તરફ ભારતે પણ પલટવાર કરતાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે વડાપ્રધાન મોદીના અરુણાચલના પ્રવાસ પર સવાલની જવાબમાં કહ્યું કે, ચીન ભારત સરહદના વિરોધને લઈની ચીનનું વલણ સ્પષ્ટ છે. ચીનની સરકારે ક્યારેય પણ કથિત અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપી. અમે ભારતીય નેતાઓનો ચીન ભારત સરહદના પૂર્વ ભાગમાં કરેલા પ્રવાસનો દ્રઢતાપૂર્વક વિરોધ નોંધાવીએ છીએ.

ચીની વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર મુકવામાં આવેલી પ્રતિક્રિયામાં ચુનયિંગે કહ્યું કે, ચીન ભારતીય પક્ષને આગ્રહ કરે છે કે, તે બંને દેશોના સંયુક્ત હિતોને ધ્યાનમાં રાખે અને ચીની પક્ષના હિતો અને ચિંતાઓનું સમ્માન કરે. દ્વિપક્ષીય સંબંધોમાં સુધારની ગતિને યથાવત રાખે. અને એવી કોઈપણ પ્રકારની કાર્યવાહીથી બચવું જોઈએ જે વિવાદને જન્મ આપે અથવા તો સરહદી વિવાદ વધારે જટિલ બનાવે.

જવાબમાં ભારતીય વિદેશમંત્રાલયે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય નેતાઓ સમય સમયે અરુણાચલ પ્રદેશની એ પ્રકારે જ મુલાકાત લેતા રહેશે, જેવી રીતે ભારતના અન્ય ભાગની મુલાકાત લે છે. અનેક વખત ચીની પક્ષને ભારતના આ વલણની જાણ કરવામાં આવી છે.

ભારત અને ચીન સરહદ વિવાદના નિરાકરણ માટે અત્યાર સુધીમાં બંન્ને પક્ષો વચ્ચે 21 વખત વાતચીત થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. અહીં તેમણે 4,000 કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અહીં તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર આ સરહદી રાજ્યમાં કનેક્ટિવિટીમાં સુધારો લાવવા પર વધારે ભાર આપી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર અરૂણાચલ પ્રદેશમાં હાઈવે, રેલવે, એર વે અને વીજળીની સ્થિતિ સુધારવાને પ્રાધાન્ય આપી રહી છે.