US પર ચીનનો પલટવાર: દક્ષિણ ચીન સાગરમાં મોકલ્યા સુખોઈ ફાઈટર જેટ

0
1949

બિજીંગ- દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના સર્વેલન્સના જવાબમાં ચીને પોતાના SU-35 ફાઈટર જેટ ઉતાર્યા છે. જેના લીધે ક્ષેત્રમાં તણાવની સ્થિતિ વધુ વણસી છે. મહત્વનું છે કે, દક્ષિણ ચીન સમુદ્ર એક વિવાદીત ક્ષેત્ર છે જેના પર ચીન પોતાનો એકાધિકાર હોવાનો દાવો કરતું રહ્યું છે.ચીનની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેણે હાલમાં જ દક્ષિણ ચીન સાગર ઉપર એક સંયુક્ત યુદ્ધઅભ્યાસમાં ભાગ લેવા માટે તેના SU-35 ફાઈટર જેટ વિમાન મોકલ્યા હતા. જોકે આ યુદ્ધાભ્યાસ ક્યારે કરવામાં આવ્યો તેની માહિતી ચીનની સેના દ્વારા આપવામાં આવી નથી.

દક્ષિણ ચીન સાગર અને હવાઈ સરહદમાં વિદેશી વિમાનો અને જહાજોનું સ્વતંત્ર રીતે આવાગમન થતું રહે એ માટે અમેરિકન સેના સમયાંતરે અહીં યુદ્ધ જહાજો અને જેટ વિમાનો દ્વારા નિગરાની કરતું રહે છે. જ્યારે ચીન આ સમગ્ર વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરતું રહ્યું છે. ચીન ઉપરાંત ફિલીપાઈન્સ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાન પણ આ વિસ્તારમાં પોતાનો દાવો કરતાં રહ્યાં છે.

આ પ્રથમ ઘટના છે જ્યારે ચીનની વાયુ સેનાએ સાર્વજનિકરુપે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેણે દક્ષિણ ચીન વિસ્તારમાં SU-35 ફાઈટર જેટ તહેનાત કર્યા છે. આ વિમાન ચીને રશિયા પાસેથી ખરીદ કર્યા છે અને વર્ષ 2016માં તેને ચીનની વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતાં. વધુમાં ચીનની વાયુ સેનાએ જણાવ્યું કે, સેનાની તાકાત વધારવા માટે ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રશિક્ષણ અને યુદ્ધાભ્યાસ કરવામાં આવશે.