ચીને કર્યું શક્તિશાળી જેટનું પરીક્ષણ, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવા સક્ષમ

બિજીંગ- ચીને એક જાહેરાત કરતા જણાવ્યું છે કે, ચીને તેના પ્રથમ અત્યાધુનિક સુપરસોનિક એરક્રાફ્ટનું પરીક્ષણ કર્યું છે. આ વિમાન પરમાણું શસ્ત્રો લઈ જઈ શકવા ઉપરાંત કોઈપણ ડિફેન્સ સિસ્ટમને તોડી પાડવા સક્ષમ છે. ચાઈના એકેડેમી ઓફ એરોસ્પેસ એરોડાયનેમિક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શિંગકોંગ-2નો ગત રોજ ઉત્તર પશ્ચિમ ચીનના એક પરીક્ષણ કેન્દ્રમાંથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.આપને જણાવી દઈએ કે, એવા વિમાનને સુપરસોનિક કહે છે, જે અવાજની ગતિ કરતા પાંચ ગણી અથવા તેનાથી પણ વધારે ઝડપથી ઉડાન ભરે છે. ચીનની સરકારી મીડિયાએ જણાવ્યું કે, પરીક્ષણ કરવામાં આવેલું વિમાન પુરી રીતે સફળ રહ્યું હતું.

સુપરસોનિક વિમાનની ડિઝાઈન ચાઈના એકેડેમી ઓફ એરોસ્પેસ એરોડાયનેમિક્સે ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશનના સહયોગથી તૈયાર કરી છે. ચીની મીડિયાના જણાવ્યા મુજબ આ વિમાન એક રોકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. જેણે સ્વતંત્ર રીતે ઉડાન ભરી અને પૂર્વ નિયોજિત વિસ્તારમાં ઉતરાણ કર્યું હતું.

ચીનના લશ્કરી નિષ્ણાંત સોંગ જોંગપિંગે સરકારી મીડિયાને જણાવ્યું કે, વેવરાઈડર એક ઉડાન વાહક હોય છે, જે વાયુમંડળમાં ઉડે છે અને તેની હાઈપરસોનિક ઉડાનથી ઉત્પન્ન થયેલા તરંગોનો ઉપયોગ કરીને વધુ ગતિ મેળવે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને રશિયા બન્ને દેશો આ પ્રકારના ફાઈટર જેટનાં પરીક્ષણ કરી રહ્યાં છે.