ફેસબુક એક્શનમાં આવ્યું, હવે રાજકીય એડમાં દેખાશે પૈસા આપનારનું નામ

કેલિફોર્નિયા- ડેટા લીક મામલામાં આરોપોનો સામનો કરી રહેલા ફેસબુકે પોતાની શાખ અને લોકોનો ભરોસો પાછો મેળવવા નવું પગલું ઉઠાવ્યું છે. ફેસબુક પર એવો પણ આરોપ લાગતો રહ્યો છે કે, અનેક દેશોમાં લોકતાંત્રિક ચૂંટણીઓમાં નુકસાન પહોંચાડવા ફેસબુકે પ્રયાસ કર્યા છે. આ ઘટનાઓ બાદ ફેસબુકની નવી ગાઈડલાઈન મુજબ રાજકીય જાહેરાતો માટે પૈસા ચૂકવનારી સંસ્થા અથવા લોકોનું નામ પણ જાહેરાતની સાથે જારી કરવામાં આવશે.ફેસબુકના જણાવ્યા અનુસાર જાહેરાત માટે નાણાં ચૂકવનારા વ્યક્તિ અથવા સંસ્થાની સત્યતાની પણ તપાસ કરવામાં આવશે. ફેસબુકનો આ પ્રયાસ ચૂટણીઓમાં થર્ડપાર્ટીની દખલગીરી ઓછી કરવા માટે માનવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, ફેસબુકની આ નવી પોલિસી અંગેની જાણકારી ખુદ માર્ક ઝુકરબર્ગે આપી છે. માર્ક ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર અમારે આ માટે હજારો લોકોને જોબ આપવી પડશે. તેમ છતાં અમે આ નવી પોલિસીનો અમલ અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં યોજાનારા મિડ ટર્મ ઈલેક્શન પહેલાં શરુ કરી દઈશું.

ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર સૌથી પહેલા આની શરુઆત અમેરિકાથી કરવામાં આવશે. ત્યારબાદ અન્ય દેશોમાં પણ લાગુ કરવામાં આવશે. જોકે ઝુકરબર્ગે જણાવ્યું કે, આ સિસ્ટમથી પણ સો ટકા રોક લગાવવી તો શક્ય નથી પરંતુ વર્ષ 2016ની ચૂંટણીમાં જે રીતે ખોટા એકાઉન્ટ બનાવી અને ખોટા પેજ બનાવી જે જાહેરાતો ચલાવવામાં આવી હતી તેમ કરવું હવે આસાન નહીં રહે.