ડેટા લીક પ્રકરણ બાદ કેમ્બ્રિજ એનાલિટિકાનું ‘શટર ડાઉન’, નથી મળી રહ્યાં ક્લાઈન્ટ

વોશિંગ્ટન- ફેસબુક ડેટા લીક પ્રકરણના કેન્દ્રસ્થાને રહેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ તેનું બધું કામકાજ તાત્કાલિક પ્રભાવથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીએ બ્રિટન અને અમેરિકામાં પોતાને નાદાર જાહેર કરવાનું આવેદન આપવાની પણ જાહેરાત કરી છે. આ વાતની પુષ્ટિ લંડન સ્થિત એનાલિટિક્સ કંપનીની પેરેન્ટ કંપની SCL ગ્રુપના સંસ્થાપક નાઈઝેલ ઓક્સે કરી છે કે, કંપની તેનો બિઝનેસ બંધ કરી રહી છે.કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, એ નક્કી કરવામાં આવ્યું છે કે, હવે આ વ્યવસાયમાં બની રહેવાની કોઈ શક્યતા નથી જણાઈ રહી. કંપની ઉપર ફેસબુકના કરોડો વપરાશકારોના નિજી ડેટાના દુરુપયોગ કરવાનો આરોપ છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, આરોપ બાદ અમને ક્લાઈન્ટ મળવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી હવે કામ કરવું અઘરું થઈ રહ્યું છે.

પોતાના પર લાગેલા આરોપને કંપનીએ નકાર્યા

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગત કેટલાંક મહિનાઓથી અમારા ઉપર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. અમે અમારો રેકોર્ડ સુધાર્યો હોવા છતાં સ્થિતિ અમને અનુકુળ નથી થઈ રહી. આ ઉપરાંત કાયદાકીય રીતે પણ કંપનીને અપમાનિત કરવા પ્રયાસ થઈ રહ્યાં છે.

વધુમાં કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું કે, દુનિયાભરમાં કંપનીને કાયદાકીય રીતે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જે અમારા માટે સરળ નથી. એવી સ્થિતિમાં કંપનીને પહેલાની જેમ ફરીવાર વ્યવસાયમાં ઉભી કરવી અને લોકોનો વિશ્વાસ ફરીવાર મેળવવો ઘણી મુશ્કેલ બાબત છે.