લંડનમાં સંત બસવેશ્વરને શ્રદ્ધાંજલિ આપશે PM, બેંગલુરુમાં શાહ સંભાળશે મોરચો

લંડન- પીએમ મોદી કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખોની બેઠકમાં ભાગ લેવા બ્રિટન પહોંચી ગયા છે. જ્યાં તેઓ બ્રિટનના પીએમ સાથે મુલાકાત કરશે. પીએમ મોદી ભલે આંતરરાષ્ટ્રીય પ્રવાસે ગયા છે, પરંતુ અહીંથી પણ તેઓ દેશની રાજનીતિ પર નજર રાખશે. બ્રિટન પ્રવાસ દરમિયાન પીએમ મોદી થેમ્સ નદીના કિનારે લગાવવામાં આવેલી સંત બસવેશ્વરની પ્રતિમાને પ્ષ્પાંજલિ અર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિમાનું અનાવરણ પણ પીએમ મોદીએ નવેમ્બર 2015ની તેમની બ્રિટન યાત્રા વખતે કર્યું હતું.આપને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા ભારતીય જનતા પાર્ટી પુરી તાકાત લગાવી રહી છે. રાજ્યની વર્તમાન કોંગ્રેસ સરકારે રાજ્યના કિંગમેકર માનવામાં આવતા લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની વાત કરીને માસ્ટરસ્ટ્રોક ખેલ્યો હતો. તો પક્ષે ભાજપે પણ પોતાના પરંપરાગત લિંગાયત વોટને સાધવા પ્રયાસો તેજ કરી દીધા છે.

પીએમ મોદી લંડનમાં તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બેંગલુરુથી મોરચો સંભાળશે. અમિત શાહે બેંગલુરુમાં સંત બાસવેશ્વરની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને તેઓ આજે સાંજે લિંગાયત સમુદાયના લોકોને સંબોધન પણ કરશે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે લંડનમાં થેમ્સ નદી પાસે આવેલા લિંગાયત સમુદાયના સંત બસવેશ્વરની મૂર્તિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે ઉપરાંત આયોજિત પ્રાર્થના સભામાં પણ હાજરી આપશે. વધુમાં તેઓ બ્રિટનમાં રહેતા કર્ણાટકના લોકો સાથે પણ મુલાકાત કરશે. મહત્વનું છે કે, કર્ણાટકની ધરતી પર પગ રાખ્યા વગર મોદી ત્યાંના મતદારોને આકર્ષવા પ્રયાસ કરશે.