બ્રિટિશ સંસદમાં કશ્મીર મુદ્દે કાર્યક્રમ સામે ભારતનો સખ્ત વિરોધ

લંડન- પડોશી દેશ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના મુદ્દા પર પોતાની હરકતોથી બાજ નથી આવતું. દરેક મંચ પર ભારતથી પછડાટ ખાવા છતાં પાકિસ્તાને ફરી એક વખત વિશ્વના મંચ પર જમ્મુ-કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. સોમવારે લંડનમાં બ્રિટિશ સંસદની અંદર જમ્મુ-કશ્મીરથી જોડાયેલો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીના સામેલ થવાની શક્યતા છે. ભારતે આ ઇવેન્ટનો કડક વિરોધ કર્યો છે.

આ મુદ્દે બ્રિટિશ હાઇ કમિશનનું કહેવું છે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી ખાનગી મુલાકાતો પર લંડન આવી રહ્યાં છે, આ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. કમિશનની તરફથી જણાવાયું છે કે તેમનો સરકાર સાથે કોઈ પણ પ્રકારની સત્તાવાર મુલાકાતનો કાર્યક્રમ નથી.

કશ્મીરના મુદ્દા પર બ્રિટિશ હાઇ કમિશને કહ્યું કે આ જમ્મુ કશ્મીર વિવાદનો ઉકેલ માત્ર ભારત પાકિસ્તાન જ વાત કરીને લાવી શકે છે. આમ છતાં, સંસદમાં યોજાયેલા કાર્યક્રમ પર કમિશને કહ્યું કે સંસદમાં કોઈ પણ સાંસદ કોઈ પણ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરી શકે છે, સરકાર તેને બાધ્ય ન કરી શકે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું  છે કે બ્રિટનના હાઉસ ઑફ કોમન્સમાં ઓલ પાર્ટી પાર્લિયામેન્ટેરી ગ્રુપ ઓફ પાકિસ્તાનના કેટલાક સભ્યો કશ્મીરનો મુદ્દા ઉઠાવશે. આ દરમિયાન લેબર્સ પાર્ટીના સાંસદ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં જમ્મુ કશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનને બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ 29 જાન્યુઆરીએ હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર સાથે ફોન પર વાત કરી હતી, જેના પર ખૂબ વિવાદ થયો હતો. ભારત સરકારે આ વાતનો કડક વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશને વિદેશ મંત્રાલયને આડે હાથ લીધા હતાં.