બ્લેકમની સામે તવાઈ, સ્વિસ બેંકોએ 11 ભારતીયોને નામજોગ નોટિસ મોકલી

નવી દિલ્હી– સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ખાતાં ધરાવનાર ભારતીયો મામલે ત્યાંની સરકારે સૂચનાઓ શેર કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. ગત અઠવાડિયે જ લગભગ એક ડઝન ભારતીયોને આ સંબંધમાં નોટિસ પાઠવવામાં આવી હતી. સ્વિત્ઝરલેન્ડની જોગવાઇઓએ માર્ચથી અત્યાર સુધી સ્વિસ બેંકોના ભારતીય ગ્રાહકોને ઓછામાં ઓછી 25 નોટિસ જાહેર કરી ભારત સરકાર સાથે તેમની જાણકારી વહેંચણી કરવા વિરૂદ્ધ અપીલની એક અંતિમ તક આપવામાં આવી છે.

સ્વિત્ઝરલેન્ડ તેની બેંકોમાં ખાતાં ધરાવનાર ગ્રાહકોની ગોપનીયતા જાળવી રાખવાને લઇને એક મોટા વૈશ્વિક નાણાંકીય કેન્દ્ર તરીકે ઓળખાઇ રહ્યું છે. પરંતુ ચોરીના મામલે વૈશ્વિક સ્તર પર કરાર બાદ હવે ગોપનીયતાની દીવાલ રહી નથી. ખાતાંધારકોની સૂચનાઓને શેર કરવાને લઇને ભારત સરકાર સાથે તેને કરાર કર્યો છે. અન્ય દેશોની સાથે પણ આવા કરાર કરવામાં આવ્યા છે.

સ્વિસ બેંકના વિદેશી ગ્રાહકોની સૂચનાઓ શેર કરવા સંબંધિત સ્વિત્ઝરલેન્ડના ફેડરલ ટેક્સ વિભાગની નોટીસ અનુસાર, સ્વિત્ઝરલેન્ડે તાજેતરના સમયમાં કેટલાક દેશોની સાથે સૂચનાઓ શેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સ્વિત્ઝરલેન્ડ સરકારે ગેજેટ દ્વારા જાહેર કરેલી જાણકારીઓમાં ગ્રાહકોના પુરા નામ જણાવ્યાં નથી ફક્ત નામની શરૂઆતના અક્ષર જણાવ્યાં છે. આ ઉપરાંત ગ્રાહકોની રાષ્ટ્રીયતા અને જન્મ તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગેજેટ અનુસાર ફક્ત 21 ભારતીયોને નોટિસ જાહેર કરવામાં આવી છે.

જે બે ભારતીયોનું પુરું નામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મે 1949માં જન્મેલા કૃષ્ણ ભગવાન રામચંદ અને સપ્ટેમ્બર 1972માં જન્મેલાં કલ્પેશ હર્ષદ કિનારીવાલાનો સમાવેશ થાય છે. જોકે તેના વિશે અન્ય જાણકારીઓનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

અન્ય નામોમાં તેમના શરૂઆતના અક્ષર જણાવવામાં આવ્યા છે. જેમાં 24 નવેમ્બર 1944ના જન્મેલા એએસબીકે,  9 જુલાઇ 1944માં જન્મેલા એબીકેઆઇ, 2 નવેમ્બર 1983માં જન્મેલી શ્રીમતી પીએએસ, 22 નવેમ્બર 1973માં જન્મેલી શ્રીમતી આરએએસ, 27 નવેમ્બર 1944 જન્મેલા એપીએસ, 14 ઓગસ્ટ 1949ના જન્મેલી શ્રીમતી એડીએસ, 20 મે 1935ના રોજ જન્મેલી એમએલએ, 21 ફેબ્રુઆરી 1968ના જન્મેલા એનએમએ અને 27 જૂન 1973 ના રોજ જન્મેલા એમએમએ સામેલ છે.

આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત ગ્રાહક અથવા તેમના કોઇ અધિકૃત પ્રતિનિધિ જરૂરી દસ્તાવેજો પુરાવાની સાથે 30 દિવસોની અંદર અપીલ કરવા માટે ઉપસ્થિત રહે.