આતંકી હાફિઝની ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પાક. સરકારે પોતાના હસ્તક લીધું

ઈસ્લામાબાદ- આતંકી હાફિઝ સઈદ હસ્તકની તમામ ચેરિટી સંસ્થાઓ પર પાકિસ્તાન સરકાર પ્રતિબંધ લગાવી શકે છે. કારણકે, આ સંસ્થાઓને ચલાવવી પાકિસ્તાન સરકાર માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. ઈસ્લામાબાદે આશા વ્યક્ત કરી છે કે, જમાત-ઉદ-દાવા અને ફલા-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સંચાલિત ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લીધા બાદ પાકિસ્તાન ગ્લોબલ વોચ લિસ્ટમાં શામેલ થવાથી બચી શકે છે. આપને જણાવી દઈએ કે, અમેરિકા આ સંગઠનોને પહેલેથી જ આતંકી સંગઠન ગણાવી ચૂક્યું છે.મળતી માહિતી મુજબ આતંકી હાફિઝ સઈદ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ ચેરિટી સંસ્થાઓની સંખ્યા અને વિવિધતા ઘણી વધારે હોવાથી પાકિસ્તાન સરકાર માટે આ નેટવર્કને કંટ્રોલ કરવું મુશ્કેલીભર્યું છે. જેના માટે આ સંસ્થાઓના ફન્ડિંગ અને સોર્સ ઓફ ઈનકમને પણ નિયંત્રણમાં લાવવાં પડશે.

આપને જણાવી દઈએ કે, આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા સંચાલિત સંસ્થાઓની સુરક્ષા CCTV કેમેરા, લોખંડના મજબૂત દરવાજા, ઉંચી દીવાલો અને સુરક્ષા ગાર્ડ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત લાહોરની બહાર 200 એકરની જમીનમાં પણ એક મુખ્યાલય આવેલું છે. જેનું નામ પણ બદલવામાં આવી શકે છે. પરંતુ હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે મુજબ 14 ફેબ્રુઆરીએ લગાડવામાં આવેલા પ્રતિબંધ બાદ નામ માત્રનો બદલાવ કરવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે કે, આંતકી સંગઠન જમાત-ઉદ-દાવા સંચાલિત બધી જ ચેરિટી સંસ્થાઓ કોઈપણ પ્રકારની રોક વગર રાબેતા મુજબ ચાલી રહી છે. વોશિંગ્ટન, નવી દિલ્હી સહિત અન્ય દેશો દ્વારા લગાવવામાં આવેલા ઈસ્લામિક આતંકીઓને સહયોગ કરવાના આરોપને પાકિસ્તાન હમેશા નકારતું રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન ઉપર વિવાદીત કશ્મીર અને અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદી પ્રવૃતિને સમર્થન કરવાનો આરોપ છે.