બાલાકોટ એરસ્ટ્રાઈકઃ જૈશની તબાહીને છુપાવી રહ્યું છે પાક., કર્યું આવું કામ….

નવી દિલ્હીઃ પાકિસ્તાન બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદની આતંકી શિબિરોમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં હવાઈ હુમલાથી થયેલી તબાહીને સતત છુપાવવાની કોશીષ કરી રહ્યું છે. આને લઈને પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ વિદેશી મીડિયાને ગુરુવારના રોજ બાલાકોટમાં જૈશ શિબિર પાસે જવાથી રોક્યા હતા.

પાકિસ્તાની અધિકારીઓએ બાલાકોટમાં સ્થિત જાબા ટોપ પર ચઢવાની કોશીષ કરી રહેલા એક આંતરરાષ્ટ્રીય સામાચાર એજન્સીને સુરક્ષાનું કારણ આપીને ત્યાં જવાથી રોકવામાં આવ્યા. જો કે પાકિસ્તાનની આ સુરક્ષાની ચિંતા શું છે તેની જાણકારી ન આપવામાં આવી. ભારતના હુમલા બાદ પાકિસ્તાને આ વિસ્તારની આસપાસ સુરક્ષા ગોઠવી દીધી છે અને કોઈપણને ત્યાં જવાની મંજૂરી નથી.

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરીની રાત્રે આનો બદલો લીધો હતો. ભારતીય વાયુસેનાના વિમાન મિરાજે આ દરમિયાન બાલાકોટના જાબા પર જૈશ એ મહોમ્મદની આતંકી શિબિરો પર બોમ્બ વરસાવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોવાના સમાચારો સામે આવ્યા હતા. તો પાકિસ્તાને કોઈ જ નુકસાન ન થયું હોવાનો રાગ આલાપ્યો હતો.

બાલાકોટ હુમલાની જગ્યા સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહેલા મીડિયા કર્મચારીઓ છેલ્લા 9 દિવસમાં ત્રીજીવાર જાબા ટોપ પર પહોંચવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે પરંતુ ત્રણેયવાર પાકિસ્તાની અધિકારીઓએ પત્રકારોનો રસ્તો રોક્યો છે. ઈસ્લામાબાદમાં સેનાના પ્રવક્તાઓ વિદેશી મીડિયાને આ જગ્યા પર લઈ જવાનો વાયદો કર્યો હતો પરંતુ બંન્ને વાર ખરાબ વાતાવરણ અને અન્ય સમસ્યાનું કારણ દર્શાવીને આ પ્રવાસને ટાળી દેવામાં આવ્યો.

સેનાના પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષાના કારણોથી કેટલાક દિવસ વધારે રોકાવું પડશે અને ત્યાં સુધી ત્યાં જવું શક્ય નથી. મહત્વની વાત એ છે કે એકબાજુ પાકિસ્તાન ભારતના હુમલામાં કોઈપણ પ્રકારનું નુકસાન ન થયું હોવાનો દાવો કરે છે અને બીજીબાજુ ઈન્ટરનેશનલ મીડિયાને ત્યાં જતા રોકી રહ્યું છે.