જિનપિંગનો ટાર્ગેટ ‘એક તીરથી બે શિકાર’, ભારત-નેપાળને સાંકળતા કોરિડોરનો પ્રસ્તાવ મુક્યો

બિજીંગ- ચીને નેપાળમાં પોતાની પકડ મજબૂત કરવા અને નેપાળના માધ્યમથી ભારતમાં પગપેસારો કરવા નવો દાવ ખેલ્યો છે. જિનપીંગ પ્રશાસને ભારત-નેપાળ-ચીન આર્થિક કોરિડોરની દરખાસ્ત રજૂ કરી છે. હિમાલય પર્વતમાળા માંથી ચીન નેપાળ અને ભારત સાથે મલ્ટિ-ડાયમેન્શનલ કનેક્ટિવિટી સ્થાપિત કરવા ઈચ્છે છે.સૂત્રોનું માનીએ તો, આ દરખાસ્ત દ્વારા ચીન નેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની આગેવાની હેઠળની નવી સરકાર પર પોતાનો પ્રભાવ વધારવા પ્રયાસ કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, નેપાળની નવી સરકારનું વલણ પહેલેથી જ ચીન તરફી રહ્યું છે.

ચીનનો આ પ્રસ્તાવ નેપાળના વિદેશપ્રધાન પ્રદિપ કુમાર ગ્વાલીના તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથેની મુલાકાત બાદ સામે આવ્યો છે. દ્વિપક્ષીય બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં વાંગ યીએ કહ્યું કે, ચીન અને નેપાળે હિમાલય પર્વતમાળા ઉપર મલ્ટિ-ડાયમેન્શનલ કનેક્ટિવિટી સ્થાપિત કરવા દીર્ઘકાલિન દ્રષ્ટિકોણ પર સહમતિ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, નેપાળમાં નવી સરકાર બન્યા બાદ નેપાળના વિદેશપ્રધાન પ્રદિપ કુમાર ગ્વાલી તેમની પ્રથમ ચીન યાત્રા પર ગયા હતા.

ચીન અને નેપાળ વચ્ચે કરવામાં આવેલા કરાર અંતર્ગત બન્ને દેશો વચ્ચે પોર્ટ, રેલવે, હાઈવે, એવિએશન, વીજળી અને ટેલીકોમ સંબંધી નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. વાંગ યીએ કહ્યું કે, ‘અમે માનીએ છીએ કે, આવા સારી રીતે વિકસિત કરવામાં આવેલા સંપર્ક ભવિષ્યમાં ચીન, નેપાળ અને ભારતને જોડવા વધારે સારા આર્થિક કોરિડોરની સ્થાપના માટેનો માર્ગ તૈયાર કરી શકે છે’. વાંગ યીએ કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે, આ પ્રકારનો સહકાર ત્રણેય દેશોના વિકાસ અને સમૃદ્ધિમાં ફાળો આપશે.