એશિયાઈ વિશ્વવિદ્યાલયોના રેંકિંગમાં ભારતના 49 શૈક્ષણિક સંસ્થાનો

લંડન– બ્રિટનની રાજધાની લંડનમાં જાહેર થયેલ એશિયા યૂનિવર્સિટી રેંકિંગ 2019માં ભારતના 49 શૈક્ષણિક સંસ્થાનોને જગ્યા મળી છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના આ વર્ષના રેંકિંગમાં ભારતના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ સાયન્સને 29મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ વર્ષે દેશની 49 શૈક્ષણિક સંસ્થાનોની આ યાદીમાં જગ્યા મળી છે જે ગત વર્ષની તુલનામાં વધારે છે. સંસ્થાનોની સંખ્યાના આધાર પર જોવા જઈએ તો ચીન અને જાપાન બાદ ભારત ત્રીજા નંબરે આવે છે. 2019ના રેંકિંગમાં ચીન પ્રથમવાર પ્રથમ ક્રમે છે. નેશનલ યૂનિવર્સિટી ઓફ સિંગાપુરને પાછળ છોડતાં ચીનની સિંગહુઆ યૂનિવર્સિટી પ્રથમ નંબર પર પહોંચી ગઈ છે.

રેંકિંગ વિશ્લેષકોનું કહેવું છે કે વિભિન્ન સંસ્થાનોના રેંકિંગમાં બદલાવ, કેટલાકનું યાદીમાં હોવું અને કેટલાકના બહાર જવાથી ભારતની રેંકિંગમાં મોટો ફરક જોવા મળ્યો છે. લિસ્ટમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ 29માં નંબરે યથાવત છે જ્યારે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ઈન્દોર પ્રથમવાર લિસ્ટમાં શામેલ થયું છે. તે 50 માં સ્થાન પર છે.

લિસ્ટમાં ટોપ 100 માં ભારતના IIT મુંબઈ અને IIT રુડકી સંયુક્ત રુપથી 54મા ક્રમે, જેએસએસ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ 62મા નંબરે, IIT ખડગપુર 76માં સ્થાને, IIT કાનપુર 82મા સ્થાને અને IIT દિલ્હી 91મા સ્થાન પર છે.