વિન્ગ કમાન્ડર અભિનંદનને આવતીકાલે છોડી મૂકાશેઃ ઈમરાન ખાનની જાહેરાત

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આજે અહીં સંસદમાં જાહેરાત કરી છે કે પાકિસ્તાની સત્તાવાળાઓએ અટકાયતમાં લીધેલા ભારતીય હવાઈ દળના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનને આવતીકાલે છોડી મૂકવામાં આવશે.

ઈમરાન ખાને આ જાહેરાત આજે પાકિસ્તાનની સંસદમાં કરી હતી. એમણે કહ્યું કે, ભારત સાથે શાંતિ જાળવવાની ચેષ્ટા રૂપે અમે અટકાયતમાં લીધેલા ભારતીય પાઈલટને આવતીકાલે છોડી મૂકવાનો નિર્ણય લીધો છે. ઈમરાન ખાનની જાહેરાતની પાકિસ્તાની સંસદસભ્યોએ પોતપોતાની પાટલી થપથપાવીને સરાહના કરી હતી.

અગાઉ, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે જો તંગદિલી ઓછી થતી હોય તો પાકિસ્તાન ભારતીય પાઈલટને છોડી દેવા તૈયાર છે.

આવતીકાલે વાઘા બોર્ડરના રસ્તે ભારતીય હવાઈ દળના પાઈલટ અભિનંદન ભારત પાછા ફરશે.

ઉલ્લેખનીય છે કે, અભિનંદન વર્તમાન ભારતીય હવાઈ દળના કોમ્બેટ એર પેટ્રોલ (CAP)ના એક સભ્ય હતા. નિયંત્રણ રેખા નજીક ભારત અને પાકિસ્તાનના હવાઈ દળ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. એ દરમિયાન વિન્ગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 ફાઈટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એ પાકિસ્તાનની જમીન હતી. અભિનંદન ત્યાં ફસાઈ ગયા હતા. ભારતીય હવાઈ દળ માટે અભિનંદન લાપતા થયા હતા. કહેવાય છે કે, અભિનંદન ભારતીય હવાઈ દળના જવાન હોવાનું માલૂમ પડ્યા બાદ પાકિસ્તાની સ્થાનિક ગામવાસીઓએ એમની મારપીટ કરી હતી, પણ બાદમાં પાકિસ્તાની સૈનિકોએ અભિનંદનને ગામવાસીઓથી બચાવ્યા હતા અને કસ્ટડીમાં લીધા હતા.

ભારત સરકારે અભિનંદનને છોડી મૂકવાના મામલે અપનાવેલા કડક વલણને લીધે પાકિસ્તાનને આ નિર્ણય લેવો પડ્યો છે.

અગાઉ ભારત સરકારે પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે પાકિસ્તાને અટકાયતમાં લીધેલા ભારતીય હવાઈ દળના પાઈલટને સુખરૂપ ભારત પાછા મોકલી દેવાના મામલે કોઈ પ્રકારની સોદાબાજી કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનના પિતા હવાઈ દળના નિવૃત્ત એર માર્શલ એસ. વર્તમાન છે. એમણે પૂર્વીય એર કમાન્ડના વડા તરીકે સેવા બજાવી હતી અને કારગિલ યુદ્ધ વખતે સેવા બજાવી હતી. અભિનંદન ભારતીય હવાઈ દળના કોમ્બેટ એર પેટ્રોલ (CAP)ના એક સભ્ય હતા. એમને ઘાયલ અવસ્થામાં બતાવતો વિડિયો અને તસવીરો પાકિસ્તાને રિલીઝ કર્યા બાદ ભારત સરકારે ગઈ કાલે એનો વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભારતીય હવાઈ દળના ઈજાગ્રસ્ત જવાનનું આ વિકૃત રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ હરકત તમામ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા તથા જિનેવા સમજૂતીના ભંગ સમાન છે.

ઈમરાન ખાનની જાહેરાત બાદ ભારતમાં આનંદ છવાઈ ગયો છે. સોશિયલ મિડિયા પર લોકો ટ્વીટ અને મેસેજિસ પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

httpss://twitter.com/pid_gov/status/1101077823987613697

httpss://twitter.com/harbhajan_singh/status/1101086765803139074

httpss://twitter.com/BDUTT/status/1101076831418150912

httpss://twitter.com/thekiranbedi/status/1101083460725161985