મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ મામલે ભારત સરકારને સહકાર આપવા એન્ટીગ્વા સરકાર તૈયાર

ન્યુ યોર્ક – કેરેબિયન ટાપુરાષ્ટ્ર એન્ટીગ્વા અને બર્મુડાના વિદેશ પ્રધાન ચેત ગ્રીને ગઈ કાલે અહીં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ખાતરી આપી હતી કે પંજાબ નેશનલ બેન્ક સાથેની બે અબજ ડોલરની છેતરપીંડીના કેસમાં મુખ્ય આરોપી જાહેર કરાયેલા મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ કરવામાં એમની સરકાર ભારતને સંપૂર્ણ સહકાર આપશે.

હીરાના ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી પાસે એન્ટીગ્વાનું નાગરિકત્વ છે.

અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસમિતિના 73મા અધિવેશન દરમિયાન એન્ટીગ્વન વિદેશ પ્રધાન સાથે દ્વિપક્ષી બેઠક દરમિયાન સ્વરાજે ચોક્સીના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સ્વરાજે તે બેઠકમાં એમના એન્ટીગ્વન સમોવડિયાને કહ્યું હતું કે મેહુલ ચોક્સી ખૂબ મોટી છેતરપીંડી કરીને ભારતમાંથી ભાગી ગયો છે એટલે એના પ્રત્યાર્પણ વિશે ભારતમાં લોકો એન્ટીગ્વા સરકાર પાસે મોટી અપેક્ષા રાખી રહ્યાં છે.