એન્જેલીના જોલી કદાચ રાજકારણમાં જોડાશે

લંડન/ન્યુ યોર્ક – હોલીવૂડ અભિનેત્રી અને નિર્દેશિકા એન્જેલીના જોલી રાજકારણમાં પ્રવેશ કરે એવી શક્યતા છે.

એન્જેલીનાએ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાનું કદાચ વિચારશે.

જોલી સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થા સાથે સંકળાયેલી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં એણે સંકેત આપ્યો હતો કે રાજકારણમાં જોડાવાની શક્યતાને પોતે નકારતી નથી.

બીબીસીઝ ટુડેમાં મહેમાન તંત્રી તરીકે મુલાકાત લેનાર જોલીએ કહ્યું કે, ‘જો તમે 20 વર્ષ પહેલાં મને પૂછ્યું હોત તો મેં વાતને હસી કાઢી હોત, પણ હવે હું કહું છું કે મારી જરૂર લાગશે તો હું જઈસ. રાજકારણ માટે હું ફિટ છું કે નહીં એની મને ખબર નથી, પણ હું એવી મજાક પણ કરી ચૂકી છું કે મારાં કબાટમાં જો કોઈ હાડપીંજર પડ્યું હશે તો હું એ જરૂર બહાર કાઢીશ.’

જોલી હાલ સંયુક્ત રાષ્ટ્રો સંસ્થાની રેફ્યૂજી એજન્સીની વિશેષ દૂત છે. બીબીસી ખાતે મહેમાન તંત્રી તરીકે ઉપસ્થિત રહીને એણે મધ્ય પૂર્વ વિસ્તારમાં નિરાશ્રીત લોકોની સમસ્યાઓનો ઉલ્લેખ કરવાની તક ઝડપી લીધી હતી.