યાત્રા પ્રતિબંધ: અમેરિકન અદાલતે આપી આંશિકરુપે લાગુ કરવાની મંજૂરી

વોશિંગ્ટન- અમેરિકાની એક અદાલતે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા નવા યાત્રા પ્રતિબંધને આંશિકરુપે લાગુ કરવાની મંજૂરી આપી છે. અમેરિકન અદાલતનો ચુકાદો મુસ્લિમ બહુમત ધરાવતાં એ દેશોના નાગરિકોના અમેરિકાના પ્રવેશ પર મનાઇ ફરમાવે છે જેમનો અમેરિકાના નાગરિકો અથવા કોઈ સંસ્થા સાથે કોઈ વાસ્તવિક સંબંધ નથી. પરંતુ આ પ્રતિબંધ એમના પર લાગુ નહીં પડે જેમનો અમેરિકાના નાગરિકો અથવા સંસ્થા સાથે સીધો કે આડકતરો સંબંધ રહેલો છે.

હવાઈના ન્યાયાધીશ ડેરિક વોટસને જણાવ્યું હતું કે, કેટલાક મુસ્લિમ દેશો, ઉત્તર કોરિયા તેમ જ વેનેઝૂએલાના કેટલાક અધિકારીઓના અમેરિકામાં પ્રવેશ પર મનાઇ આદેશ કાયદાની કસોટી પર ખરો નથી ઉતરતો. આવા પ્રતિબંધથી અમેરિકાની સુરક્ષામાં કોઈ સુધાર નહીં આવે. કારણ કે, વર્તમાન કાયદામાં પણ એવા શખ્સના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધની વ્યવસ્થા છે જે સુરક્ષાને ખતરો હોય, તેમ હવાઈના ન્યાયાધીશે જણાવ્યું હતું. દરમિયાન ટ્રમ્પ પ્રશાસને આ ચૂકાદાને પડકારવા સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો નિર્ણય પણ કર્યો હતો.

આ દેશના નાગરિકો પર પ્રતિબંધ રહેશે લાગુ

અમેરિકન સરકારની આ યાત્રા પ્રતિબંધ નીતિ ચાડ, ઈરાન, લીબીયા, ઉત્તર કોરિયા, સોમાલિયા, સીરિયા અને યમનના નાગરિકો પર તેમ જ વેનેઝૂએલાના કેટલાક સરકારી અધિકારીઓ અને તેમના પરિવાર પર લાગુ કરવામાં આવી છે.