‘આતંકી ઠેકાણાંનો જાતે નાશ કરે પાકિસ્તાન, નહીં તો અમે કરીશું કાર્યવાહી’

0
1786

વોશિંગ્ટન- અમેરિકાએ પાકિસ્તાન સરકારને ફટકાર લગાવતાં કહ્યું છે કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર સ્થિત આતંકી ઠેકાણાઓ વિરુદ્ધ જાતે કાર્યવાહી નહીં કરે તો, અમેરિકા પાકિસ્તાન સ્થિત આતંકી ઠેકાણાઓનો સફાયો પોતાની રીતે કરશે.

અમેરિકા તરફથી આ સ્ટેટમેન્ટ એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે અમેરિકાના રક્ષાપ્રધાન જિમ મૈટિસ ઈસ્લામાબાદમાં હાજર હતા અને આતંકવાદ વિરુદ્ધ લડાઈ અંગે ચર્ચા કરી રહ્યા હતા.

અમેરિકાની સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડાયરેક્ટર માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, આતંકવાદના સેફ હેવન ગણાતા સ્થળો સામે જો પાકિસ્તાન સરકાર પગલાં નહીં લે તો, અમેરિકાને આ સ્થળોનો નાશ કરવાની ફરજ પડશે.

આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાન વિશેની વ્યૂહરચનાની ચર્ચા કરવા અમેરિકાના રક્ષાપ્રધાન જિમ મૈટિસ હાલ ઈસ્લામાબાદમાં છે, એવા સમયે CIA દ્વારા પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. CIAના ડાયરેક્ટરે જણાવ્યું કે, જિમ મૈટિસ પાકિસ્તાન સાથે આ મુદ્દે ચર્ચા કરશે. અને અમેરિકા આંતકીઓના સેફ હેવનનો સફાયો કરવા ગંભીર છે તેવો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો સંદેશ પણ પાકિસ્તાનને પહોંચાડશે. અને જો પાકિસ્તાન આતંકનો સફાયો કરવામાં સહકાર નહીં આપે તો અમેરિકા તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે.