ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાવેલ બેનના નિર્ણયને અમેરિકન સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 6 દેશોના નાગરિકો પર લગાવવામાં આવેલા ટ્રાવેલ પ્રતિબંધના નિર્ણયને અમેરિકન સુપ્રીમ કોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. કોર્ટે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે, ટ્રાવેલ બેનના નિર્ણયને સંપૂર્ણ રીતે લાગુ કરી શકાશે.

જોકે અમેરિકાની નીચલી અદાલતમાં આ મામલે હજી સુનાવણી ચાલુ છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે ઈરાન, લીબિયા, ચાડ, સીરિયા અને યમન સહિત નોર્થ કોરિયા અને વેનેઝુએલાથી અમેરિકા આવનારા લોકોને અમેરિકન સરકાર વિઝા નહીં આપે.

આપને જણાવી દઈએ કે, આ મામલે સુપ્રીમ કોર્ટના બે જજે પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટ્રાવેલ બેનનો વિરોધ કર્યો હતો. જોકે આ પહેલા હાઈકોર્ટે ટ્રમ્પ પ્રશાસનની ટ્રાવેલ બેન પોલિસીના નવા પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

નજીકના સગાંઓને પ્રવેશ પર રોક નહીં

આ પહેલાં નીચલી અદાલતે જણાવ્યું હતું કે, ટ્રાવેલ બેનની યાદીમાં જે દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાંથી અમેરિકા રહેતા નાગરિકોના નજીકના સગાં જો એ દેશોમાં રહેતા હશે તો તેને અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવી શકાય નહીં.

પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકાની સુરક્ષા એ તેમની પહેલી પ્રાથમિકતા છે. અમે એવા લોકોને અમેરિકામાં પ્રવેશ નહીં આપીએ જેમની અમે યોગ્ય રીતે સુરક્ષા તપાસ નથી કરી શકતા. અથવા જે લોકો અમને સુરક્ષા તપાસમાં સહકાર નથી આપતાં. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ બહુમતી ધરાવતા સુદાન ઉપર પણ અમેરિકાએ ટ્રાવેલ પ્રતિબંધ મુક્યો હતો, જોકે જાહેર કરાયેલી નવી યાદીમાંથી સુદાનનું નામ બાકાત કરવામાં આવ્યું છે.