આતંકી મસૂદ મુદ્દે અમેરિકાએ સાથ તો આપ્યો પણ બદલામાં મૂકી આ શરત

0
564

નવી દિલ્હી- પુલવામાં હુમલા પછી ભારત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જેશ એ મોહમ્મદ અને તેમના આકા મસૂદ અઝહર પર કડક કાર્યવાહી કરવાની કોશિશમાં લાગ્યું છે. ભારત ઈચ્છે છે કે, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવે, પરંતુ ચીને તેમાં વિક્ષેપ નાખી રહ્યું છે. જો કે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા આ મામલે ભારતની સાથે છે અને ચીન પર દબાણ નાખવાની કોશિશ કરી રહ્યું છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના હવાલેથી આવેલા સમાચાર અનુસાર અમેરિકાનું ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન મસૂદ અઝહર પર ભારતને મદદ કરવાના બદલામાં પોતે પણ અન્ય એક મામલે ભારતની મદદ ઈચ્છે છે. હકીકતમાં અમેરિકા ભારત દ્વારા ઈરાનથી કરવામાં આવતી ક્રૂડની આયાત પર પ્રતિબંધ ઈચ્છે છે.

તમને જણાવી દઈએ કે, અમેરિકાએ ગત વર્ષે વિશ્વભરના દેશો પર નવેમ્બરમાં ઈરાનથી ક્રૂડની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અમેરિકાએ આ માટે જુદાજુદા દેશોને 6 મહિનાનો સમય આપ્યો હતો, જેનો સમયગાળો આગામી 1મેના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે.

ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડની આયાત કરે છે, આ જ કારણે અમેરિકા ઈચ્છે છે કે, ભારત ઈરાન પાસેથી ક્રૂડની આયાત બંધ કરી દે. મળતી માહિતી અનુસાર અમેરિકાએ ભારતને ચાબહાર પોર્ટના વિકાસ માટે છૂટ આપી દીધી છે, પરંતુ બદલામાં તે ઈરાનથી થતાં ક્રૂડની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ ઈચ્છે છે.  ભારતે વર્ષ 2018 19માં ઈરાન પાસેથી 24 મિલિયન ટન ક્રૂડની આયાત કરી હતી.

અમેરિકન અધિકારીઓનું એક દળ હાલ ભારતની મુલાકાતે આવ્યું છે, જે ઈરાન પર ક્રૂડ પ્રતિબંધના મુદ્દે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરશે. મહત્વનું છે કે, અમેરિકાનો દાવો છે કે, ઈરાનને ક્રૂડના વેચાણથી થતી આવકમાંથી બળવાખોર જૂથો અને આતંકવાદી સંસ્થાઓને ફંડિંગ કરી રહ્યું છે. સાથે જ ઈરાન તેમના પરમાણુ કાર્યક્રમનું પણ ચોરી છૂપે સંચાલન કરી રહ્યું છે. આ જ કારણે અમેરિકાએ ઈરાનના ક્રૂડની આયાત પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે.

જો કે, અમેરિકા દ્વારા ઈરાન પર લગાવેલો પ્રતિબંધ ભારત માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. કારણ કે, ભારતને તેની વધતી જતી પેટ્રોલિયમ પેદાશોની જરૂરીયાતોને પહોંચી વળવા ક્રૂડની આયાત પર વધુ નિર્ભરતા છે. અમેરિકાના પ્રતિબંધને કારણે ભારતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં ભારતની સામે અમેરિકાને ખુશ રાખવાની સાથે ઈરાનને પણ તેનાથી દૂર ન જવા દેવાનો પડકાર છે.