વિશ્વમાં અસ્થિરતા ફેલાવવા પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે રશિયા: US

વોશિંગ્ટન- અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટિલરસને રશિયા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, વિશ્વમાં અસ્થિરતા ફેલાવવા માટે રશિયા પોતાની તાકાતનો દુરુપયોગ કરે છે. બ્રિટનમાં પૂર્વ જાસૂસ અને તેની દીકરી પર હુમલો કરવાની ઘટનામાં રશિયાની કથિત સંડોવણી અંગે પણ ટિલરસને રશિયાની આલોચના કરી હતી. બ્રિટનમાં પૂર્વ જાસુસ અને તેની દીકરીને ગત સપ્તાહે જેરી પદાર્થ આપવામાં આવ્યો હતો. એક સ્થાનિક પોલીસકર્મી પણ આ પદાર્થની ઝપટમાં આવી ગયો હતો. ત્રણેયની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.બ્રિટનના પીએમ થેરેસા મેએ જણાવ્યું હતું કે, એ વાતની શક્યતા નકારી શકાય નહીં કે, બ્રિટનમાં પૂર્વ જાસૂસ સ્ક્રિપલ ઉપર જેરી પદાર્થનો હુમલો કરવાની ઘટના પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે. કારણકે સ્ક્રિપલે બ્રિટનની જાસૂસી એજન્સી માટે કામ કર્યું હતું. જોકે રશિયાએ પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

અમેરિકાના વિદેશપ્રધાને જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓની અમેરિકા નિંદા કરે છે અને અમેરિકા બ્રિટન સાથે મક્કમતાથી ઉભું રહેશે. ટિલરસને કહ્યું કે, ‘બ્રિટનની તપાસ અને તેના અનુમાન પર અમેરિકાને પુરો વિશ્વાસ છે કે, ગત સપ્તાહે બ્રિટનમાં પૂર્વ જાસૂસ પર જે હુમલો કરવામાં આવ્યો તેની પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે’.

ટિલરસને કહ્યું કે, આ પ્રકારના હુમલાઓ માટે કોઈ સ્પષ્ટતા આપવામાં નથી આવતી. આ પ્રકારના હુમલા એક સ્વતંત્ર રાષ્ટ્રની જમીન ઉપર એક નાગરિકની હત્યાનો પ્રયાસ છે. અમેરિકાને એ વાતને લઈને આશ્ચર્ય છે કે, આ પ્રકારના કાર્યમાં રશિયાની સંડાવણી હોવાનું ફરી એકવાર સામે આવી રહ્યું છે. ટિલરસને કહ્યું કે, યૂક્રેનથી લઈને સીરિયા અને હવે બ્રિટન સુધી રશિયા અન્ય દેશોની સંપ્રભુતા અને તેના નાગરિકોના જીવનનો અનાદર કરી રહ્યું છે.