સૌરઉર્જા મિશન: ભારત સાથે કામ કરવા અમેરિકાએ વ્યક્ત કરી ઈચ્છા

નવી દિલ્હી- ભારતના નૈતૃત્વમાં બનેલા આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનને (ઈન્ટર નેશનલ સોલાર અલાયન્સ સમિટ) સૌરઉર્જાના ક્ષેત્રમાં એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના આ વિચારના અમેરિકાએ પણ વખાણ કર્યાં છે.આપને જણાવી દઈએ કે, ISA-121 એવા દેશોનું ગઠબંધન છે, જ્યાં વર્ષ દરમિયાન સારી સૌરઉર્જા મળી રહે છે. આ ગઠબંધનમાં જોડાયેલા મોટા ભાગના દેશો ઉષ્ણકટિબંધ પ્રદેશમાં અને કર્ક અને મકરવૃત વચ્ચે આવેલા છે. આ દેશો દ્વારા સૌરઉર્જાનો વપરાશ અપનાવ્યા બાદ જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદ મળી રહેશે.

નવી દિલ્હીમાં ભારત અને ફ્રાંસ દ્વારા ગત રવિવારે ઔપચારિક રુપે સ્થાપવામાં આવેલા ISA ના કરાર ઉપર 60 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત ISAના સંસ્થાપક સમારોહમાં 23 દેશના પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતાં. સમ્મેલન દરમિયાન ફ્રાંસના પ્રેસિડેન્ટ ઈમેન્યુલ મેક્રોને વિકાસશીલ દેશોને સૌરઉર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે 86.2 કરોડ ડોલરના વધારાના ભંડોળની જાહેરાત કરી હતી.