ટ્રમ્પે સીરિયાને આપી ધમકી, કોઈ પણ સમયે થઈ શકે છે હુમલો

0
1518

વોશિંગ્ટન- સીરિયામાં થયેલા કથિત કેમિકલ હુમલા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના પ્રેસિડેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે સીરિયાના પ્રેસિડેન્ટને જાનવર ગણાવ્યા છે અને કિંમત ચુકવવાની પણ ધમકી આપી છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, ‘મેં એ ક્યારેય નથી કહ્યું કે, સીરિયા પર હુમલો ક્યારે થશે. એ જલદી પણ થઈ શકે છે અથવા તેમાં સમય પણ લાગી શકે છે’.આપને જણાવી દઈએ કે, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેઓ સીરિયાથી  પોતાના સૈનિકો પરત બોલાવવા ઈચ્છે છે. જોકે, દમિશ્ક પાસે સીરિયાઈ સેના દ્વારા કથિત રીતે કરવામાં આવેલા રાસાયણિક હુમલા બાદ ટ્રમ્પનો મૂડ બદલાયેલો જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ગત વર્ષની જેમ ટ્રમ્પ આ વર્ષે પણ મિસાઈલ હુમલાનો આદેશ આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સીરિયામાં સૈન્ય હુમલા બાદ રશિયાએ અમેરિકાને ચેતવણી આપી હતી. તો જવાબમાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદની તરફદારી કરવા માટે અમેરિકાએ રશિયાને ચેતવણી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું કે, નાગરિકો ઉપર રાસાયણિક હથિયારોના ઉપયોગ બદલ અમેરિકાના મિસાઈલ માટે તૈયાર રહો. આપને જણાવી દઈએ કે, સીરિયામાં ગત સપ્તાહે કરવામાં આવેલા કેમિકલ હુમલામાં 70થી વધુ લોકોના મોત થયા હતાં.

અમેરિકાના અખબારે દાવો કર્યો હતો કે, આ એટેકમાં નર્વ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને મોઢામાંથી ફીણા નિકળ્યા હતા. આ ઘટના બાદ વિશ્વના અનેક દેશોએ સીરિયાના રાષ્ટ્રપતિ અસદની નિંદા કરી હતા. જોકે સીરિયાના સહયોગી દેશ રશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, સીરિયા ઉપર કોઈ પ્રકારનો કેમિકલ એટેક થયો નથી.