થાઈલેન્ડના નૌકાદળનો ચમત્કાર; ગુફામાં ફસાયેલા તમામ લોકોને ઉગારી લીધાં

બેંગકોક – થાઈલેન્ડમાં ચિયાંગ રાઈ પર્વતમાળામાં  આવેલી થામ લુઆંગ ગુફામાં ફસાયેલા તમામ 12 સગીર વયનાં ફૂટબોલ ખેલાડીઓ તથા એમના 25 વર્ષના કોચને બચાવી લેવામાં આવ્યા છે. આ ગુફામાં 18 દિવસથી ફસાયા બાદ આ તમામ 13 જણનો બચાવ થયો છે.

થાઈ નેવી SEALSના જવાનોએ ત્રણ દિવસની બચાવ કામગીરીમાં અસંભવને સંભવ કરી બતાવ્યું છે. જવાનોએ પહેલાં ગયા રવિવારે ચાર છોકરાને બચાવ્યા હતા અને ત્યારબાદ ગઈ કાલે સોમવારે વધુ ચાર છોકરાને બચાવ્યા હતા. આજે બચાવ કામગીરી ચાલુ રાખીને એમણે બાકી રહેલા તમામને ઉગારી લેવામાં સફળતા હાંસલ કરી છે. તમામ બાળકો 11-16 વર્ષની વયના હતા.

થાઈલેન્ડના જવાનોની આ સફળતાથી એમના દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

વાઈલ્ડ બોઅર્સ ટીમના ખેલાડીઓ અને એમના કોચ ગઈ 23 જૂનથી આ ગુફામાં ફસાઈ ગયા હતા. એ દિવસે તેઓ એમની ફૂટબોલની પ્રેક્ટિસ પૂરી કરીને કોઈક નવી જગ્યાની ખોજ કરવાના સાહસ સાથે એ ગુફામાં ગયા હતા, પણ અચાનક ભારે વરસાદ શરૂ થતાં ગુફાનો પ્રવેશદ્વાર બ્લોક થઈ જતાં તેઓ ગુફામાં ફસાઈ ગયા હતા. અધૂરામાં પૂરું, વરસાદનાં પૂરનું પાણી ગુફામાં ઘૂસ્યું હતું.

છેક બે અઠવાડિયા બાદ, ગઈ 3 જુલાઈએ કોઈક બ્રિટિશ ડૂબકીમારોએ આ તમામ કમનસીબોને ગુફાની અંદર ફસાયેલા શોધી કાઢ્યા હતા.

બચાવ કામગીરીની આગેવાની લેનાર નારોંગ્સાક ઓસોત્નાકોર્ને કહ્યું કે વરસાદને કારણે બચાવ કામગીરી સામે મોટો પડકાર ઊભો થયો હતો.

અબજોપતિ એલન મસ્કનો થાઈલેન્ડના વડા પ્રધાને આભાર માન્યો

ગુફામાં ફસાઈ ગયેલા બાળકો અને એમના ફૂટબોલ કોચને બચાવવા માટે જાણીતા અમેરિકન અબજોપતિ એલન મસ્ક એમના સબમરીન પોડ અથવા કિડ-સાઈઝ સબમરીન સાથે થાઈલેન્ડ પહોંચી ગયા હતા, પરંતુ થાઈલેન્ડના નૌસૈનિકોએ તમામ ફસેલાઓને આજે બચાવી લીધા બાદ મસ્કની નાનકડી સબમરીનનો ઉપયોગ કરવાની જરૂર પડી નહોતી. તેમજ છતાં પોતાની મિની-સબમરીન સાથે થાઈલેન્ડમાં આવી બાળકોને બચાવવાની કામગીરીમાં સામેલ થવાની ઓફર કરવા બદલ થાઈલેન્ડના વડા પ્રધાન પ્રયુત ચાન-ઓ-ચાએ એલન મસ્કનો આભાર માન્યો છે.ઉલ્લેખનીય છે કે, અવકાશ વિજ્ઞાન સંબંધિત અમેરિકી કંપની સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું હતું પોતે એક નાનકડી સબમરીનની સાથે થાઈલેન્ડની એ ગુફા સુધી પહોંચી ગયા છે જ્યાં ફૂટબોલ ટીમના પાંચ સભ્યો હજી પણ ફસાયેલા છે.મસ્કે કહ્યું હતું કે, જરૂર પડે તો મારી નાનકડી સબમરીન તૈયાર છે. આ રોકેટના ભાગોમાંથી તૈયાર કરવામાં આવી છે અને બાળકોની ફૂટબોલ ટીમના નામ પરથી એનું નામ વાઈલ્ડ બોર રાખવામાં આવ્યું છે. હું અત્યારે ગુફા-3થી હમણાં જ પાછો ફર્યો છું. ગુફા-3 મુખ્ય ગુફાના પ્રવેશદ્વારથી બે કિલોમીટરના અંતરે છે અને થાઈલેન્ડના બચાવકામદારોનું સંચાલન કેન્દ્ર છે.

એલન મસ્કે એમની મિની સબમરીનને અમેરિકામાંથી રવાના કરી હતી, પરંતુ એ થાઈલેન્ડમાં પહોંચે ત્યાં સુધીમાં થાઈ નૌસૈનિકોએ આઠ બાળકોને ઉગારી લીધા હતા અને બાકીના પાંચ જણને બચાવી લેવાને આરે હતા.

બચાવ કામગીરી હાથ ધરનાર ટીમના વડાએ કહ્યું કે મસ્કની મિની-સબમરીન ગુફાના રેસ્ક્યૂ મિશનમાં મદદરૂપ થવા માટે વ્યવહારુ નહોતી.

મસ્કે કહ્યું છે કે મિની-સબમરીન ભલે આ વખતે કામમાં નથી આવી, પરંતુ એ તેઓ થાઈલેન્ડમાં જ મૂકીને જાય છે, જેથી ભવિષ્યમાં ક્યારેક કામમાં આવે. 

httpss://twitter.com/elonmusk/status/1016110809662066688

 

httpss://twitter.com/elonmusk/status/1016443130017505280

 

httpss://youtu.be/gHJZGcj5KHU