પાકિસ્તાનમાં લગ્ન બાદની પરેશાનીએ 21 વર્ષે પણ પીછો ન છૂટ્યો, ધરપકડ…

નવી દિલ્હીઃ 11 મે 1997ની સાંજે પતિના મૃત્યુ બાદ ચિંતાતુર અને શોકમગ્ન બનેલી અમીના બેગમ પરિવાર છોડીને પોતાના ચાર બાળકો સાથે બસ દ્વારા લાહોરથી નીકળી. એક દિવસ બાદ તે પોતાના હોમ ટાઉન દિલ્હી પહોંચી અને નોર્થ ઈસ્ટ દિલ્હીના જાફરાબાદ સ્થિત ચૌહાણ બારંગ ક્ષેત્રમાં પોતાના માતા-પિતાના ઘરે આશ્રય માંગ્યો. લગ્ન બાદ એક પાકિસ્તાની નાગરીક થઈ જવાના કારણે તેને ભારતમાં રહેવા માટે 90 દિવસના વિઝા આપવામાં આવ્યા હતા.

21 વર્ષ સુધી અમીના કોઈપણ પ્રકારે ભારતમાં રહી. પહેલા તે સમય સમય પર પોતાના વિઝા એક્સટેન્ડ કરાવતી રહી પરંતુ 10 વર્ષ બાદ 2007માં વીઝા એક્સટેન્શન સંભવ ન રહ્યું. અમીના પાસે એટલું સાહસ નહોતું કે કોઈ ઓથોરિટી સાથે વાત કરીને પોતાની સાસરીમાં પાછી જવાનું જોખમ ઉઠાવી શકે.

ત્રણ દિવસ બાદ અમીનાના જીવનમાં ઉથલ-પાથલ થઈ ગઈ જ્યારે દિલ્હી પોલીસની એક સ્પેશિયલ બ્રાંચે 50 વર્ષની અમીના સાથે તેના બે દિકરાની ધરપકડ કરી લીધી. અમીના બંન્ને દિકરીઓ કે જેમના લગ્ન દિલ્હીના જાફરાબાદમાં જ થયા છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

બેગમના ભાઈએ જણાવ્યું કે મારા પિતાએ 1990માં દૂરના એક સગાના ત્યાં પાકિસ્તાનના લાહોરમાં મહોમ્મદ નફીઝ સાથે મારી બહેનના લગ્ન કરાવ્યા હતા. નફીઝ ત્યાં માટીના વાસણોનો વ્યાપાર કરતા હતા. લગ્ન બાદ અમીના પાકિસ્તાની નાગરિક થઈ ગઈ અને તેણે પાકિસ્તાનનો પાસપોર્ટ લઈ લીધો જેનાથી તે વર્ષમાં એકવાર પોતાના માતા-પિતા સાથે મળવા ભારતમાં આવી શકે. પરંતુ તેના પતિનું એક અકસ્માતમાં મૃત્યું થયું અને ત્યારબાદ તેમના પરિવારે અમીનાને પોતાના પતિના મૃત્યુ માટે જવાબદાર ગણી. નફીઝનું મૃત્યું તેની પત્ની અમીનાના કારણે જ થયું છે એમ ટોણા મારીને સાસરી વાળા અમીનાને હેરાન કરવા લાગ્યા અને તેની સાથે સંપૂર્ણ રીતે વ્યવહાર તોડી દીધો.

અલીએ દાવો કર્યો કે બાદમાં અમીના પોતાના સંતાનો સાથે જાફરાબાદ આવી તો પાછા જવાનો કોઈ મતલબ જ રહ્યો નહોતો કારણ કે ત્યાં તેનું કોઈ નહોતું. તેમણે જણાવ્યું કે બાદમાં મારા પિતાએ અમીનાની દિકરીઓના લગ્ન સુધી ખૂબ મદદ કરી. થોડા સમય પહેલા જ મારા પિતાનું મૃત્યું થયું છે. અમિનાનો પરિવાર ચૌહાણ બાંગરમાં ત્રણ રુમના એક ઘરમાં અલી અને પોતાના બીજા ભાઈ વાજિદના પરિવાર સાથે રહે છે.

અમીનાની દિકરીએ જણાવ્યું કે મારી માતા પોતાના જ દેશમાં વિદેશી છે અને તેમને હવે એક એવા દેશમાં મોકલી દેવાશે જેને મારી માતાએ ક્યારેય પ્રેમ નથી કર્યો. તે ક્યારેય પાકિસ્તાનમાં નહોતી રહેવા ઈચ્છતી પરંતુ પોતાના લગ્નના કારણે તે ત્યાં રહી. વધુમાં દિકરીએ જણાવ્યું કે મને એ પણ યાદ નથી કે લાહોરનું મારુ ઘર કેવું હતું અને મારા પિતા કેવા દેખાતા હતા. અત્યારે અમીના સેન્ટ્રલ જેલમાં છે.