ફેસબૂક પરની પોસ્ટ બાદ શ્રીલંકામાં ફરી તોફાનો ફાટી નીકળ્યાં, કર્ફ્યૂ…

કોલંબોઃ શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ બાદથી આખા દેશમાં માહોલ અસ્થિર ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક ફેસબૂક પોસ્ટ વાયરલ થયા બાદ શ્રીલંકાના પશ્ચિમી તટીય શહેર ચિલામાં તણાવ વધી ગયો છે. ત્યારબાદ કેટલાક ઉપદ્રવીઓએ એક મસ્જિદ અને મુસ્લિમોની કેટલીક દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ આખા શહેરમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈપણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે શહેરમાં વધારે પોલીસ બળ અને સુરક્ષા બળના જવાનો પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે.

સ્થાનીય પ્રશાસનનું કહેવું છે કે તેમણે ફેસબુક યૂઝરની ધરપકડ કરી છે, તેની ઓળખ 38 વર્ષીય હમીદ મહોમ્મદ હસમાર તરીકે થઈ છે, જે ચિલાના તે વિસ્તારમાં રહે છે, જ્યાં ઈસાઈ સમુદાયના લોકોની સંખ્યા વધારે છે. આનાથી નારાજ ભીડે આરોપીની મેથીપાક ચખાડ્યો હતો.

સ્થાનીય નિવાસીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બાદથી જ ઈસાઈઓ અને મુસ્લિમો વચ્ચે તણાવની સ્થિતી બનેલી છે. શનિવારના રોજ પણ આ વિસ્તારમાં બંન્ને સમુદાયોના કેટલાક લોકો વચ્ચે ઝડપ થઈ હતી પરંતુ અન્ય લોકોએ વચ્ચે પડીને બચાવ કર્યો એટલે મામલો થાડે પડ્યો હતો. પરંતુ આ ઝડપે રવિવારના રોજ મોટું રુપ લઈ લીધું અને ભીડે મસ્જિદો પર હુમલો કરી દીધો, આ દરમિયાન બજારમાં ઉપસ્થિત મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનો પર પણ તોડ-ફોડ કરવામાં આવી.

આ પહેલા મે મહિનાની શરુઆતના દિવસોમાં નેગોમ્બોમાં તોફાન થયું હતું. આ દરમિયાન પણ બંન્ને સમુદાયના લોકો એકબીજા સાથે બાખડ્યા હતા. આ એ જ શહેર છે કે જ્યાં સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ પણ છે. આ ચર્ચમાં રવિવારના રોજ વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટો બાદ કાર્ડિનલ મૈલ્કમ રંજીતે ઈસાઈઓ અને અન્ય સમુદાયના લોકોથી શાંતિ બનાવી રાખવાની અપિલ કરી હતી અને કહ્યું હતું કે મુસ્લિમ સમુદાયના લોકો પણ આપણા ભાઈ જ છે.