સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 25 લોકોના મોત

કાબુલ- અફઘાનિસ્તાનના ફરાહ પ્રાંતમાં ખરાબ હવામાનને કારણે વરિષ્ઠ અધિકારીઓને લઇને જઈ રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 25 લોકો મૃત્યુ પામ્યા હતા. આ માહિતી અફઘાનિસ્તાનના અધિકારીએ આપી હતી.ફરાહ પ્રાંતના ગવર્નર નાસિર મહેંદીના જણાવ્યા મુજબ આ હેલિકોપ્ટર પર્વત અનાર દારા જિલ્લા નજીક હેરાત પ્રાંત તરફ રવાના થયાના થોડીવારમાં સવારે લગભગ 9 વાગ્યે 10 મિનિટે ક્રેશ થયું હતું. તેમણે જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર લોકોમાં અફઘાનિસ્તાનના પશ્ચિમ ઝોનના ઉપ કોર કમાંડર અને ફરાહ પ્રાંતના પ્રમુખનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા આજે સવારે અફઘાનિસ્તાનમાં પુલ-એ-ચરખી જેલ ગાડીને ટાર્ગેચ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાંક ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલો સવારે લગભગ 7:30 કલાકે કરવામાં આવ્યો હતો.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનિશે જણાવ્યું કે, હુમલાખોરોએ જેલ કર્મચારીઓને લઈને જઈ રહેલી એક બસને ટાર્ગેટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પુલ-એ-ચરખી જેલમાં અનેક તાલિબાનીઓ સહિત હજારો કેદીઓ બંધ છે. જોકે હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.