કોઈ પણ સમયે થઈ શકે છે પરમાણુ યુદ્ધ: ઉત્તર કોરિયાની ધમકી

પ્યોંગયાંગ- સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉત્તર કોરિયાના ઉપ-ઉચ્ચાયુક્તે જણાવ્યું કે, કોરિયાઈ ઉપમહાદ્વીપમાં તણાવની સ્થિતિ હવે ચરમસીમા પર પહોંચી છે જેથી કોઈ પણ સમયે પરમાણુ યુદ્ધ થઈ શકે છે. કિમ ઈન રયોંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની નિશસ્ત્રીકરણ સમિતિને જણાવ્યું કે, ઉત્તર કોરિયા વર્ષ 1970ના દાયકાથી એવો દેશ રહ્યો છે જે અમેરિકા દ્વારા સિધા પરમાણુ હુમલાની રેન્જમાં રહ્યો છે.

કિમે જણાવ્યું કે, ઉત્તર કોરિયાને પોતાના સુરક્ષા અધિકાર અંતર્ગત પરમાણુ હથિયાર રાખવાનો સંપૂર્ણ હક છે. વધુમાં કિમ ઈન રયોંગે અમેરિકા દ્વારા કોરિયાઈ ઉપમહાદ્વીપમાં દર વર્ષે કરવામાં આવતા પરમાણુ શક્તિ પ્રદર્શન ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત રયોંગે કહ્યું કે, અમેરિકા દ્વારા અમારા નેતા કિમ જોંગઉનની હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ઘણો ખતરનાક છે.

કિમે કહ્યું કે, આ વર્ષે ઉત્તર કોરિયાએ પરમાણુ ફોર્સ તૈયાર કરી છે અને હવે અમે સંપૂર્ણ રીતે પરમાણુ શક્તિ સંપન્ન દેશ બની ગયા છીએ, જેની પાસે વિવિધ પ્રકારના પરમાણુ વિસ્ફોટકો છે. જેમાં એટમ બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ અને બેલેસ્ટીક મિસાઈલનો પણ સમાવેશ થાય છે. આજે સમગ્ર અમેરિકા અમમારી રેન્જમાં છે. જેથી હવે જો અમેરિકા ઉત્તર કોરિયામાં ઘુસવાનો પ્રયાસ કરશે તો ઉત્તર કોરિયા દ્વારા અમેરિકા સામે કડક સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તર કોરાયાના આક્રમક વલણ છતાં અમેરિકાના વિદેશપ્રધાન રેક્સ ટેલરસને જણાવ્યું કે, અમેરિકા હુમલો કરવાની પહેલ નહીં કરે. ઉત્તર કોરિયા દ્વારા જ્યાં સુધા હુમલો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમેરિકા રાજકીય સમાધાનના પ્રયાસ ચાલુ રાખશે.