અમેરિકા: ભારતીય મા શોધતી રહી પાણી અને નાનકડી દીકરીનું મોત

વોશિંગ્ટનઃ અમેરિકન બોર્ડર પેટ્રોલના મેડિકલ એક્ઝામિનરે શુક્રવારે જણાવ્યું કે અમેરિકાના અરિજોના સ્થિત રેગિસ્તાનમાં હીટ સ્ટ્રોક (લૂ લાગવી)થી છ વર્ષની એક ભારતીય બાળકીનું મૃત્યુ થયું છે. બાળકીની માતા  તેને અન્ય શરર્ણાથીની સાથે છોડીને પાણીની શોધમાં ગઈ હતી. બાળકી ગુરુપ્રીત કૌરનો થોડા દિવસો બાદ જ 7મો જન્મદિવસ મનાવનાર હતી.

યુએસ બોર્ડર અને પીમા કાઉન્ટી ઓફિસ ઓફ ધ મેડિકલ એક્ઝામિનર (PCOME)ના જણાવ્યા અનુસાર ગુરપ્રીત કૌર તેમને બુધવારે એરિજોનાના લ્યૂકવિલના પશ્ચિમ વિસ્તારમાં અમેરિકાની બોર્ડર પેટ્રોલ ટીમને  મળી હતી. આ વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે.

રિપોર્ટ મુજબ, આ વર્ષે ગુરપ્રીત બીજી પ્રવાસી બાળકી છે જેનું મૃત્યુ એરિજોનાના દક્ષિણ રેગિસ્તાનમા થયું છે. આ ઘટનાએ ફરી એક વખત ભીષણ ગરમીઓમાં મધ્ય અમેરિકાથી આવતા પ્રવાસી પરિવારોના ખતરાને ઉજાગર કર્યો છે, જે અમેરિકામાં મેક્સિકો બોર્ડર પાર કરીને શરણની શોધમાં છે.

ઇમિગ્રેશન અધિકારીઓના મતે બહુ મોટી સંખ્યામાં ભારતીય નાગરિક મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ હજારો આફ્રિકન અને એશિયન પ્રવાસીઓની સાથે અમેરિકામાં ગેરકાયદે તસ્કરોની મદદથી ઘૂસવાની કોશિષ કરી રહ્યાં છે.

22 કલાક સુધી રેગિસ્તાનમાં ભટકતી રહી માં

તસ્કરોએ પાંચ લોકોના એક ગ્રૂપને મંગળવારના રોજ અમેરિકન બોર્ડર પર એક સૂમસાન વિસ્તારમાં ઉતાર્યા હતા. 6 વર્ષની બાળકી ગુરપ્રીત અને તેની માતા આ ગ્રૂપમાં સામેલ હતા. લ્યુકવિલેમાં ઉતર્યા બાદ બાળકી અને તેની માતા થોડું દૂર ચાલ્યા ત્યાં તરસ લાગી જેથી ગુરપ્રીતની માતાએ ગુરપ્રીતને અન્ય એક મહિલા અને તેના બાળક સાથે છોડી પાણીની શોધમાં નીકળી હતી.

બોર્ડર પેટ્રોલ એજન્ટસના મતે એક વખત જ્યારે તે પાણીની શોધમાં ગઇ ત્યારબાદ તે ફરી જોવા મળી નહતી. અમેરિકન બોર્ડર પેટ્રોલ ટીમને મળ્યા પહેલાં ગુરપ્રીતની માતા અને અન્ય મહિલા 22 કલાક સુધી સોનોરાનના રણ અને બીહડોમાં ભટકતી રહી. બોર્ડર પેટ્રોલે મહિલાઓને તેમના પગના નિશાનથી શોધી કાઢી હતી.

ચાર કલાક બાદ બોર્ડર પેટ્રોલને એક બાળકીની લાશ મળી અને તે હતી ગુરપ્રીત કૌરની. બાળકીની લાશ અમેરિકન બોર્ડરથી થોડાંક જ માઇલો દૂરથી મળી. PCOMEના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ બાળકીનું મોત હાઈપરથર્મિયાને કારણે થયું છે. 30 મે સુધી દક્ષિણ એરિજોનામાં 58 પ્રવાસીઓના મોતા થયાં છે. તેમાંથી મોટા ભાગે ગરમીને કારણે મોત થયાં છે. વર્ષ 2018માં 127 લોકોના મોતા નોંધાયા હતાં.