શ્રીલંકામાં બોમ્બવિસ્ફોટોમાં મરણાંક વધીને 290; મૃતકોમાં પાંચ ભારતીયોનો સમાવેશ

કોલંબો – શ્રીલંકાના પાટનગર કોલંબો તથા નેગોમ્બો અને બેટ્ટીકેલોઆ શહેરોમાં ગઈ કાલે કરાયેલા ટેરર બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 290 થયો છે. આ વિસ્ફોટો જાણીતા ચર્ચ અને લક્ઝરી હોટેલ્સમાં કરવામાં આવ્યા હતા.

આ બોમ્બ ધડાકાઓમાં પાંચ ભારતીય પણ માર્યા ગયા છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે ટ્વીટ કરીને જણાવ્યું છે.

શ્રીલંકાની પોલીસે બોમ્બ વિસ્ફોટોના સંબંધમાં 13 જણની ધરપકડ કરી છે.

ગઈ કાલે ખ્રિસ્તીઓના મોટા તહેવાર ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં આઠ બોમ્બ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા.

મૃતકોમાં 35 વિદેશીઓનો સમાવેશ થાય છે.

પોલીસે ગઈ કાલે રાતે કોલંબોના મુખ્ય એરપોર્ટ ખાતે એક સુરંગ બોમ્બને નિષ્ક્રિય બનાવ્યો હતો.

ગઈ કાલે ધડાકાઓ થયા બાદ તરત જ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો, જેને આજે વહેલી સવારે ઉઠાવી લેવામાં આવ્યો હતો.