સ્કૂલ બસની રાહ જોતાં બાળકો પર ચપ્પુથી હુમલો, ત્રણનાં મોત, 19 ઘાયલ

ટોકિયો– જાપાનની રાજધાની ટોક્યોમાં એક વ્યક્તિએ મંગળવાર સવારે (જાપાનના સમય મુજબ) ભારે ભીડ હતી ત્યારે એક બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલાં પેસેન્જર્સ પર હુમલો કરી દીધો. તેમાં ત્રણ લોકોનાં મોત થઈ ગયાં અને 13 બાળકો સહિત ઓછામાં ઓછા 19 લોકો ઈજાગ્રસ્ત થયાં. આ ઘટનાને પગલે ટોકિયો શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી.

એનએચકે નેશનલ ટેલિવિઝને અધિકારીઓના હવાલો આપતા કહ્યું કે કાવાસાકી શહેર (ઈન્ડસ્ટ્રીયલ સિટી ઓફ ગ્રેટર ટોક્યો) માં બસ સ્ટોપ પર લોકો પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો. પોલીસના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈજાગ્રસ્તાને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે એક બાળક અને બે પુખ્ત વયના લોકોનાં મોત થયા છે.

પોલીસે જ્યારે આ હુમલાખોરની ધરપકડ કરી તો તેણે ધરપકડ પહેલાં પોતાના ખભામાં પણ ચપ્પુ મારીને પોતાની જાતને ઘાયલ કરી દીધી. કાવાસાકી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે સ્થાનિક સમયમુજબ સવારે 7.45 વાગ્યે અમને એક ઇમરજન્સી કોલ આવ્યો હતો. એનએચકેએ કહ્યું કે હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે અને ઘટના સ્થળેથી બે ચપ્પુ જપ્ત કરવામાં આવ્યાં છે.