નફારૂપી જોરદાર વેચવાલીથી શેરબજારના સેન્સેક્સમાં 360 પોઈન્ટનું ગાબડુ

અમદાવાદ– શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીને બ્રેક વાગી છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 33,865.95 ઑલ ટાઈમ હાઈનું નવું લેવલ બતાવ્યું હતું. ત્યાર બાદ તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું, અને નવી લેવાલીનો તદન અભાવ રહ્યો હતો. પરિણામે શેરબજાર ચાર દિવસની એકતરફી તેજી પછી ગબડ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 360.43(1.07 ટકા) ગબડી 33,370.76 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 101.65(0.97 ટકા) તૂટી 10,350.15 બંધ થયો હતો.આજે પીએસયુ બેંક, ઓઈલ એન્ડ ગેસ, મેટલ, ઓટો અને રીયલ્ટી સેકટરના શેરોમાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનને કહ્યું છે કે નોર્થ કોરિયાના જાપાન પરથી આવતા મિસાઈલનો તોડી પાડવા. હવે સહન કરવામાં નહી આવે. જે નિવેદન પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. ભારે વેચવાલીને પગલે સેન્સેક્સ 360 પોઈન્ટ ગબડ્યો હતો. જેને પગલે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 1.70 લાખ કરોડ રૂપિયા ઘટ્યું હતું.

  • એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી હતી, જેથી ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ખુલ્યો હતો.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 246.33 તૂટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 242.53 ગબડ્યો હતો.
  • મુંબઈમાં સીમેન્ટના ભાવમાં 2થી 8 ટકા સુધીનો વધારો.
  • આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ આઈપીઓ લઈને આવશે.
  • લ્યુપિનને યુએસ એફડીએ આજે ચેતવણીપત્ર પાઠવ્યો છે. જેથી લ્યુપિનના શેરના ભાવમાં 16.88 ટકાનું સૌથી મોટુ ગાબડુ પડ્યું હતું.
  • કેસ્ટ્રોલનો નફો 27.5 ટકા વધ્યો હતો, કંપનીની બોર્ડે એક શેરે એક બોનસ શેર આપવાની ભલામણ કરી છે.
  • સિપ્લાનો નફો 17.7 ટકા વધી રૂ.435 કરોડ નોંધાયો હતો.
  • બીએસઈએલનો નફો 5.9 ટકા વધી રૂ.115.4 કરોડ આવ્યો હતો.
  • વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝનો નફો 27.4 ટકા વધી રૂ.23.83 કરોડ આવ્યો
  • રૂપિયો ઘટ્યો હોવાથી આજે આઈટી અને ટેકનોલોજી શેરોમાં નવી લેવાલીથી મજબૂતી આવી હતી.
  • વ્હીલ્સ ઈન્ડિયાનો બીજા કવાર્ટરમાં નફો ડબલ આવ્યો હતો. જેને પગલે વ્હીલ્સ ઈન્ડિયામાં નવી લેવાલીથી શેરના ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો.
  • રીલાયન્સ કોમ્યુનિકેશન પોતાનો ડીટીએચ બિઝનેસ વેચી રહી છે, જે સમાચાર પાછળ આર કોમમાં જોરદાર વેચવાલી આવી હતી.
  • ટોરેન્ટ પાવરનો બીજા ત્રિમાસિકગાળાનો નફો 129 ટકા વધી રૂ.321 કરોડ રહ્યો હતો. જેથી ટોરેન્ટ પાવરના શેરમાં ભારે લેવાલીથી શેરનો ભાવ ઉછળી 287 સાત વર્ષની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો.