જીટીયુ તરફથી ઝીરો ઓબેસિટી કેમ્પસ ઝૂંબેશનો પ્રારંભ

અમદાવાદઃ જીટીયુ દ્વારા સ્વસ્થ ભારત મિશનમાં સહભાગી થવા માટે ઝીરો ઓબેસિટી કેમ્પસ ઝૂંબેશ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ વડોદરાની સિગ્મા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી ખાતેથી કરવામાં આવ્યો છે. અને આવાનારા થોડા સમયમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ આવા કાર્યક્રમો યોજવામાં આવશે.

આ અંગે જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રોફેસર નવીન શેઠે માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદ, સૂરત, રાજકોટ અને વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરમાં આ પ્રકારના આયોજનો કરવામાં આવશે. જેમાં બે પ્રકારના કાર્યક્રમો યોજાશે જેમાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ મેદસ્વી ન બને અને તમામ લોકોની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શનના કાર્યક્રમો યોજાશે. બીજા પ્રકારના કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ મેમ્બરો અને વિદ્યાર્થીઓ પરિસરની આસપાસના વિસ્તારોમાં તેમજ અન્ય શાળાકોલેજોમાં જઈને પ્રેઝન્ટેશન કરશે તથા શેરી નાટકો સહિતના કાર્યક્રમો યોજીને ઝીરો ઓબેસિટી વિશે જનજાગૃતિ ફેલાવશે. પહેલાંના જમાનામાં વિદ્યાર્થીઓ અભ્યાસકાર્ય પૂર્ણ થાય એટલે ટેનિસ, બેડમિન્ટન, કબડી ફૂટબોલ, વોલીબોલ અથવા અન્ય રમતો રમવા મેદાનમાં જતા હતા. પરંતુ હવે ગેમ્સ, લેપટોપ અને મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે અનેક વિદ્યાર્થીઓ મેદસ્વીપણાનો ભોગ બની રહ્યા છે અને તેના કારણે તેઓમાં અનેક બીમારીઓ આવી રહી છે. આમાં ફાસ્ટફૂડ અને ખાણીપીણી પણ નકારાત્મક ભૂમિકા ભજવી રહી છે. આ બાબતે વિદ્યાર્થીઓ જાગૃત થાય એવો અમારો આ પ્રયાસ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વજન અને ઉંચાઈ ને લગતો આદર્શ ચાર્ટ બનાવવામાં આવેલો છે તેને બીએમઆઈ ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચાઇ પ્રમાણે યોગ્ય વજન ન હોય તેવી વ્યક્તિ મેદસ્વી ગણાય. આવી વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ધીમે ધીમે ઘટતી જાય છે અને શરીરમાં જુદા જુદા રોગો થવા લાગે છે. તેના કારણે દૈનિક જીવનમાં ગતિશીલતા ઘટે છે. મેદસ્વી વ્યક્તિના શરીરમાં જુદા ભાગોમાં ચરબી જમા થાય છે.તેને માપવા વેસ્ટ ટુ હિપ રેશિયો ગણવામાં આવે છે. સામાન્ય રીતે પેટના ભાગમાં ડૂંટીથી ઉપર છાતી પેટનો ઘેરાવો ઓછામાં ઓછો હોય તે જરૂરી છે.  ફાંદ હોય તેવી વ્યક્તિઓને ડાયાબિટીસ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ વધવા સહિતની તકલીફો થવાની શક્યતા રહે છે. વજન અને બીએમઆઈ  સામાન્ય રહે તેના માટે નિષ્ણાતોએ કેટલીક ટિપ્સ પણ આપી હતી.