અમદાવાદની આન્યા સોની એન્ટાર્કટિકા એક્સપિડિશનમાં જશે

મદાવાદી પરિવારની હાલ પૂણેમાં ભણતી 13 વર્ષની કિશોરી આન્યા સોનીની એન્ટાર્કટિકા એક્સપિડિશનમાં પસંદગી થતાં ઇતિહાસ સર્જાયો છે. એન્ટાર્કટિકા એક્સપિડિશન 2018ના 27 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી યોજાવાનું છે. આન્યા આ એક્સપિડિશનમાં જોડાનાર સૌથી નાની વયની સભ્ય છે. સમગ્ર કાર્યક્રમ યોજનાર સંસ્થાનું નામ છે ધ 2041 ફાઉન્ડેશન. જો તમને યાદ હોય તો આ સંસ્થા તેના ફાઉન્ડરના કારણે વિશ્વખ્યાત છે. પૃથ્વીના બંને ધ્રુવ પ્રદેશના સાહસી પ્રવાસી, પર્યાવરણવિદ્ અને મોટિવેશનલ સ્પીચ માટે જાણીતા સર રોબર્ટ સ્વાનને રચેલું આ ફાઉન્ડેશન છે.

એન્ટાર્કટિકા એક્સપિડિશન 2018 શું છે?

એન્ટાર્કટિકા, આમ તો આ શબ્દ આજની દુનિયાના બાળકો માટે જરાય અજાણ્યો નથી.. પૃથ્વીના દક્ષિણ ધ્રુવપ્રદેશ તરીકે જાણીતો આ વિસ્તાર માનવસમૂહથી સંરક્ષિત, નૈસર્ગિક અને અસ્પર્શ્ય જાહેર કરાયેલો વિસ્તાર છે.. આ વિસ્તારના સંરક્ષણ માટે દુનિયાના દેશો વચ્ચે 50 વર્ષનો કરાર થયેલો છે, જેના કારણે ત્યાં કોઇપણ રીસર્ચ, ડ્રિલિંગ કે ખોદકામ વગેરે કરવામાં આવતું નથી. આ કરાર 2041માં પૂરો થશે. સર રોબર્ટ સ્વાને આ સમય આવે તે પહેલાં દુનિયાભરમાં  આ સ્થળની સુરક્ષામાં ક્લાઇમેટ ચેન્જમાં તેની જરુરત સંદર્ભે કેળવણી ફેલાવવા ઇચ્છે છે  જેને લઇને અવેરનેસ કાર્યક્રમ તરીકે એન્ટાર્કટિકા એક્સપિડિશન યોજવામાં આવે છે.છેલ્લાં 14 વર્ષથી સર રોબર્ટ સ્વાન તેમની સંસ્થાના નેજામાં દુનિયાભરમાંથી 80 વ્યક્તિની એન્ટાર્કટિકા એક્સપિડિશન માટે પસંદગી કરે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દ્વારા દુનિયામાં એન્ટાર્કટિકા સંરક્ષણ માટે આગેવાની લેનારા અગ્રણીઓ તૈયાર કરવાનું અને સંતુલિત જીવનની તરફેણ કરવા દુનિયામાં રહેતા વિવિધ માનવસમૂહો અને કોર્પોરેટ લેવલે જાગૃતિ કેળવણી દ્વારા પર્યાવરણ સંતુલન સાધવાનો છે.

આન્યા અમદાવાદના શેલામાં આવેલા નંદનબાગ સોસાયટીની છે અને હાલમાં પૂણેની સહ્યાદ્રી શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે. તે પહેલેથી જ અલ ગોરેના ક્લાઇમેટ ચેન્જ, અન ઇન્કન્વિનિયન્ટ ટ્રુથની ડોક્યૂમેન્ટરી જોઇને આ વિશે સંવેદનશીલતા ધરાવે છે. સર રોબર્ટ સ્વાનનો ટેડ ટૉક પ્રોગ્રામ પણ તેણે આ વર્ષની શરુઆતે જોયાંનું યાદ છે.આન્યાને તનીષા અરોરા નામનાં મહિલાને મળવાનો મોકો મળ્યો હતો જેમણે એન્ટાર્કટિકા એક્સપિડિશન 2017માં ભાગ લીધો હતો. તેમણે આન્યા અને તેની મમ્મી પ્રતિભાને માહિતી આપી હતી કે આ કાર્યક્રમ માટે અરજીઓ થઇ રહી છે અને આન્યા તે માટે એપ્લાય કરી શકે છે. આન્યા માઇનોર હોવાથી તેને વાલીની જરુર પડે એટલે તેના માતા પ્રતિભા પણ એન્ટાર્કટિકા એક્સપિડિશન 2018માં જોડાવાના છે. આ કાર્યક્રમને તેઓ પોતાની નજરે ‘ધ લાસ્ટ વાઇલ્ડરનેસ લેફ્ટ ઓન અર્થ’ ગણે છે.

આન્યાના માતા ગૃહિણી છે અને તેના પિતા ઇકોલિબ્રિયમ એનર્જીમાં કામ કરે છે.  જે નાનામોટા ઉદ્યોગગૃહોને સસ્ટેઇનેબલ એનર્જી અને પર્યાવરણીય સંતુલિત પદ્ધતિઓ સંદર્ભે મદદ કરે છે.આન્યા ભલે 13 વર્ષની બાળકી છે, પણ એની લાઇફસ્ટાઇલમાં પર્યાવરણીય સંતુલનની કોશિશ મધ્યમાં રહે છે.કોઇ પુખ્તની જેમ જ તેની રોજની ક્રિયામાં ઘણી ચીવટ રાખે છે. આન્યાએ kids4acouse  નામના ગ્રુપની કોર ટીમમાં ભાગ લીધો છે. જે 2015માં તેણે અને તેના ફ્રેન્ડઝે બનાવી છે. આ ટીમ દ્વારા આન્યા રીસાયકલિંગ મટિરિયલમાંથી વાપરી શકાય તેવી ઉપયોગી વસ્તુઓ બનાવે છે અને દર દીવાળીમાં વેચાણ કરે છે. તેમના પ્રથમ પ્રયાસમાં લગભગ પાંચ વર્ષ પહેલાં 11 હજાર રુપિયા ભેગાં કર્યાં હતાં અને ક્શમીરી એનજીઓ ઇમદાદને કશ્મીર પૂરપીડિતો માટે બ્લેન્કેટ અને દવાઓ ખરીદવા માટે આપ્યાં હતાં. વળી એકવાર 15 હજાર રુપિયા ભેગાં કરી ચેન્નઇના હગ એનજીઓને આપ્યાં હતાં જે ચૈન્નઇ પૂરસંકટ સમયે રાહતકાર્ય કરી રહી હતી. ગયા વર્ષે પણ આન્યાની ટીમે  નેશનલ ઇન્ડિયન એસોસિએશન માટે ફંડ ભેગું કરી આપ્યું હતું. જે ધોરણ 12માં અભ્યાસ કરતી કન્યાઓના શૈક્ષણિક અભ્યાસની સામગ્રી ખરીદવામાં વપરાયું હતું.

તેના પરિવારની જેમ જ આન્યાની શાળા પણ આન્યાના સસ્ટેઇનેબલ લિવિંગ માટે મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. શાળામાં એ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે કે બાળકો કાગળનો બચાવ કરે, પોતાની શાકભાજી જાતે ઉગાડે, તેમના અભ્યાસના પુસ્તકોનો રીયૂઝ કરે, વીજળી બચાવે, સોલાર ગીઝર વાપરે વગેરે તાલીમ અપાય છે. આન્યાના માતા એક કિસ્સો સંભારતા કહે છે કે આન્યાની શાળામાં ખોરાકનો બગાડ ન થાય તે માટે નિયમ બનાવવામાં આવ્યો છે, કે ભોજન કરી લીધાં પછી બધાંએ લાઇનમાં ડિશ મૂકવી જેથી કરીને કોઇએ ખાદ્યપદાર્થનો નાનકડો ટુકડો પણ બાકી મૂક્યો હોય તો તેણે ફરજિયાત પૂરો જ કરવાનો. આ લાઇનમાં પ્રિન્સિપલ પણ આવી જાય. આ શિસ્ત દ્વારા બાળકો લાંબે ગાળે શીખી જાય છે કે એક કોળીયો પણ બગાડ કરવાનો નથી.આવી રીતે સજ્જ આન્યા અને તેના પરિવાર માટે એન્ટાર્કટિકા એક્સપિડિશનમાં સિલેક્શન અપાર આનંદ અને આશ્ચર્ય લાવનાર બની રહ્યું હતું. બે સપ્તાહ સુધી તો ખુશીના માર્યાં ઠેકડાં માર્યાં હતાં. એમ સાચે જ પસંદગી થઇ છે તે હકીકતની ખાતરી થતાં તેમણે તરત જ Fuel A Dream નામની ક્રાઉડફંડિગની અપીલ કરી અને તેમના આશ્ચર્ય વચ્ચે દુનિયાના જુદાજુદા ભાગમાંથી તેમને સારો પ્રતિસાદ મળવા લાગ્યો છે. તેમના ઓળખીતાંપારખીતાં તો ઠીક, અજાણ્યાં લોકો દ્વારા પણ પ્રતિસાદ મળ્યો. અત્યાર સુધીમાં વીસ દિવસમાં 10 લાખ રુપિયા ભેગાં થયાં છે. જોકે આન્યા અને તેનાં માતાને એન્ટાર્કટિકા એક્સપિડિશન માટે કુલ 43,000 ડોલરનું ફંડ જોઇએ. જે ભારતીય કરન્સીમાં 28 લાખ રુપિયા થાય છે. એક્સપિડિશન કોસ્ટ 34,000 યુએસ ડૉલર, એર ટ્રાવેલ માટે 7500 ડૉલર, ક્લોથિંગ અને ગિયર માટે 1000 ડૉલર, ટ્રાવેલ એન્ડ ઇન્શોરન્સ માટે 500 ડોલરનો ખર્ચ સામે ઊભો છે તે તેમના માટે થોડી ચિંતાનો વિષય છે કારણ કે  હજુ 18 લાખ રુપિયા ખૂટે છે. 28 લાખની જોગવાઇ નહીં કરી શકે તો તેઓ એન્ટાર્કટિકા એક્સપિડિશનમાં જઇ શકશે નહીં.

તેમને ફાળો આપનારા લોકોએ ખાસ કહ્યું છે કે તેઓ એન્ટાર્કટિકા એક્સપિડિશનથી પાછાં આવીને લોકોને એ શીખવાડે કે આન્યા અને પ્રતિભા શું શીખ્યાં. તેમણે ત્યાં મેળવેલા જ્ઞાનનું દાન કરીને જીવનશૈલીમાં એવા કયા ફેરફાર કરવા જોઇએ કે જેથી કરીને પૃથ્વીના સંરક્ષણમાં મહત્ત્વનું કામ થઇ શકે.

એન્ટાર્કટિકા એક્સપિડિશનમાં જોડાઇને આન્યા ગ્લોબલ મૂવમેન્ટ ઓફ ચેન્જ લીડર્સની ભૂમિકામાં આવી જશે. આન્યા પોતાની સાથે હજારો લોકોને સાંકળીને ક્લાઇમેટ ફોર્સ બનાવશે, દુનિયાના 100 દેશની IAE એલ્યૂમની સાથે સંકળાશે. આ કામગીરીના કારણે આન્યાની યોજનાઓ અને સંસાધનો ક્લાઇમેટ ચેન્જ માટેના કાર્યમાં પ્રગતિ કરાવશે.આન્યા કહે છે, બાળકો દુનિયાનું ભવિષ્ય છે અને તેમણે આગળ વધીને લીડરશિપ લઇને 2041 ટ્રીટ્રી વિશે સજાગતા કેળવવાની છે. સાથે જ એવી પ્રવૃત્તિઓ કરવાની છે જેનાથી રોજિંદી જિંદગીમાં સસ્ટેઇનેબલ એન્વાયર્નમેન્ટને અનુકૂળ ફેરફાર કરાવી શકે. આન્યા પાછી આવશે પછી તેની શાળા સહિત અન્ય શાળાઓમાં વર્કશોપ કન્ડક્ટ કરવા માગે છે જેનાથી બાળકોમાં પર્યાવરણ મુદ્દે લીડરશિપ કેળવાય, સજાગતા કેળવાય જે છેવટે ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે લડે.

આન્યાનો આગામી પ્લાન શું છે… તે પાછી ફરે ત્યારે એવું નવું જ્ઞાન લઇને આવશે કે તેના સ્થળ નિરીક્ષણના ઉપયોગી શિક્ષણ દ્વારા પ્રભાવી ઉપાયો શોધાય અને દેશમાં ક્લાઇમેટ ચેન્જની અસરો સામે લડી શકાય. આન્યા ભારતમાં 2041 ફાઉન્ડેશનની માસ્કોટ ગર્લ છે અને વધુ સારી દુનિયાની રચનાની જાગરુકતા કેળવવામાં અગત્યનો ભાગ ભજવશે.

આન્યાના આ જ્ઞાનયજ્ઞમાં કોન્ટ્રિબ્યૂટ કરવા માટે httpss://www.fueladream.com/home/campaign/2224 અહીં ફાળો આપી શકો છો.