PG મહિલાની છેડતીની ઘટનાનો આરોપી પકડાઈ ગયો, ફૂડ ડિલિવરી બોય…

0
2008

અમદાવાદઃ  શહેરના નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા ફ્લેટમાં પીજીના મકાનમાં મોડી રાત્રે ધૂસીને યુવકે હોલમાં સુતેલી મહિલાની છેડતી કરી હતી. 14 જૂને વિકૃત યુવકે કરેલી શરમજનક અને ઘૃણાસ્પદ હરકતો સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થયા બાદ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારના કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે થયેલ યુવતીની છેડતી સંદર્ભે એફ.આઇ.આર. દાખલ કરાઇ છે. આ ઘટનામાં ઝડપથી કામે લાગેલી પોલિસે આરોપી યુવકને મોડી સાંજે ઝડપી પણ લીધો છે. આરોપીનું નામ ભાવીન શાહ છે અને તે ઓનલાઈન ફૂડ ડિલિવરી બોય છે.

તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પી.જી. હોસ્ટેલ ચાલે છે. આ હોસ્ટેલમાં સાફ-સફાઇ કરતી યુવતી હોસ્ટેલના ડ્રોઇંગ રૂમમાં સૂઇ ગઇ હતી ત્યારે રાત્રિના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે કોઇ અજાણી વ્યક્તિએ તેનો લાભ લઇને યુવતીની છેડતી કરી હતી. પરંતુ તેણી ઉંઘમાં હોવાના કારણે તેને ખ્યાલ આવ્યો નહોતો પરંતુ, પી.જી હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓએ અજાણ્યા વ્યક્તિને ડ્રોઇંગ રૂમમાંથી બહાર નીકળતા જોઇ તેણીને જાણ કરતા તેને ફરીયાદ કરવા માટે કહ્યું હતું. પરંતુ, તે સમયે તેણે પી.જી. હોસ્ટેલના માલિકને આ અંગે પોલીસમાં ફરીયાદ કરવાની ના પાડી હતી. આથી સી.સી.ટી.વી. ફુટેજના આધારે ચેક કરીને પોલીસ દ્વારા સમજાવટથી તેણીની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિની  પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવાઇ છે. જેને સત્વરે પકડીને કડક હાથે કામગીરી કરાશે.

નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા પીજી હાઉસમાં 19 યુવતીઓ રહે છે. જેમાં એક મહિલા કેરટેકર છે. 14 જૂનના રોજ મોડી રાતે એક વાગ્યાની આસપાસ એક યુવક પીજી હાઉસનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો હતો. બદઈરાદે ઘરમાં ઘૂસેલા યુવકે દરવાજો ખુલ્લો જ રાખી બહાર હોલમાં સૂતેલી મહિલા સાથે છેડતી કરી હતી. મહિલા ન જાગતાં તેની હિંમત ખુલી ગઈ હતી. બાદમાં અંદર બે રૂમમાં જે 19 યુવતીઓ સૂતી હતી ત્યાં ગયો હતો. જ્યાં એક યુવતી જાગતી હોવાથી તેને જોઈ ગઈ હતી. જેથી યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતી. યુવતીએ તેનો પીછો પણ કર્યો હતો પરંતુ બાઈક પર તે નાસી ગયો હતો.

પીજીમાં મહિલાની છેડતી મામલે ફરિયાદી યુવતીના નિવેદનના આધારે IPC કલમ 354- એ1,354-એ2 અને 452 મુજબ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની ગંભીરતાને જોતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યાં છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી અને બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મહિલા આયોગે તપાસના આદેશ આપ્યાં છે અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે.

ઝોન 1ના ડીસીપી પ્રવીણ મલે જણાવ્યું છેકે, પીજી હાઉસમાં મહિલાની છેડતી કરવાની ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ભાળ મેળવવામાં આવી રહી છે અને આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. સંચાલક ગેરકાયદે રીતે પીજી હાઉસ ચલાવતો હતો કે નહીં તે તપાસનો વિષય છે અને પોલીસને હજી સુધી આ અંગે માહિતી નથી. તપાસ બાદ નક્કી થઇ શકે કે પીજી ગેરકાયદે હતાં કે કાયદેસર હતાં. પોલીસની તમામ ટીમો સીસીટીવી ફૂટેજ, આરોપીનું જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે તેના આધારે કાર્યવાહી કરી રહી છે. ફરિયાદ મોડી કરવા અંગે જણાવ્યું છેકે જો સંચાલકો વિરુદ્ધ કોઇ પુરાવારૂપ હકીકતો સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે.

સંસ્કાર પીજીના સંચાલક સન્નીભાઇના જણાવ્યા પ્રમાણે 14 તારીખે સંસ્કાર પીજીમાં મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ યુવક B6 ફ્લેટમાં રાત્રે યુવક હોલમાં પ્રવેસ્યો હતો અને પીજીની વોર્ડન મહિલા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બીજા રૂમમાં દરવાજા બંધ હોવાથી એક રૂમમાં ગયો અને રૂમમાં યુવતી જોઇ જતાં બૂમ પાડી અને ત્યાંથી ફરાર થયો હતો. સામે રાધે સોસાયટી બહાર પાર્ક કરેલું બાઇક લઇ ફરાર થયો હતો. અમને ખબર પડી ત્યારે અમે તાત્કાલિક પીજી ઉપર પહોંચી ગયા હતા. અને ત્યારબાદ તેની શોધખોળ કરી હતી. જોકે, અમે પોલીસ ફરિયાદ કરવા માટે તૈયારીઓ કરી હતી.