તમારી ખરીદી કોઈને આપે ઉત્સવનો આનંદ, ફેલાય ઉત્સવનું અજવાળું

અમદાવાદઃ તહેવારોમાં ઉત્સવોમાં તમે ખરીદી કરો અને વેચાણ કરનારાના ચહેરા પર ખુશી આવી જાય..તમારો ઉત્સવ ઉજવાય એના ઘરનો ચૂલો સળગે અને એના ઘરમાં પણ તહેવાર મનાવાય..આવા મેસેજ હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરે છે.

એક વાત તો સનાતન સત્ય છે કે આપણે લોકો ફીક્સ રેટ વાળા શો રૂમ કે મોલમાંથી વસ્તુઓની ખરીદી કરીએ છીએ અને ત્યાં મોઢે માંગ્યા પૈસા પણ આપીએ છીએ. પરંતુ રોડ પર એક નાનકડી લારી લઈને અથવા તો ટોપલી લઈને ઉભેલા ગરીબ બાળક અથવા તો ગરીબ વ્યક્તિ પાસે જ્યારે રંગોળીના રંગ, દિવા કે મીણબત્તિ જેવી વસ્તુઓ લેવા જઈએ ત્યારે તેમાં ભાવતાલ કરાવીએ છીએ. હકીકત એ છે કે આપણે એક ગરીબ પાસેથી ખરીદી નથી કરતા પરંતુ આપણે તેના ઘરને દીવાળીમાં ઝગમગતુ કરાવાનું ઈજન આપતા હોઈએ છીએ. આપણી એક સામાન્ય ખરીદી તેના જીવનના ઉત્સાહ અને આનંદમાં વધારો કરતી હોય છે અને તે વ્યક્તિના બાળકોના ચહેરા પર સુંદર સ્મિત લઈ આવતી હોય છે.

દિવાળીના હાલના ઉત્સવમાં અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે પણ એક અનોખુ દ્રશ્ય જોવા મળ્યું બહાર મુકાયેલા એક કાઉન્ટર જોવા મળ્યું દિવ્યાંગ મહિલા મંડળ દ્વારા બનાવેલા  કોડિયા, મીણબત્તી, પાપડ, મુખવાસ જેવી અનેક ચીજવસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે.

132 ફૂટ રીંગ રોડ પર થી પસાર થતા લોકો આ દિવ્યાંગ મહિલાઓની બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદી પોતે સમાજ પ્રત્યેની કંઇક ફરજ અદા કરી હોય એવો અહેસાસ થાય છે. જ્યારે આ મહિલાઓના ચહેરા પર આનંદ અને પ્રસન્નતા છવાઇ જાય છે.

(અહેવાલ અને તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)