CLP પરેશ ધાનાણીનો ઉકળાટઃ ભયનું શાસન ન કરે ભાજપ

ગાંધીનગર– વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ હેઠળ કૃષિપ્રધાનના નિવેદન બાબતે થયેલ ચર્ચામાં ભાગ લેતાં વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગત ચોમાસાની સીઝનમાં ખેડૂતોના મગફળીના પાક ઉત્પાદનના ભાવ ખૂબ જ નીચે જતાં મગફળી ટેકાના ભાવે ખરીદાય તે માટે મોટા પ્રમાણમાં વિપક્ષ દ્વારા માગણીઓ થઈ હતી. રાજ્યમાં અંદાજે ૩૩ લાખ ટન મગફળીનું ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારે ૧૦ ફેબ્રુઆરી સુધી મગફળી ટેકાના ભાવે ખરીદવાની મંજૂરી આપી હતી. ધાનાણીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે ચૂંટણી પહેલાં મગફળી ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરવામાં આવી, પરંતુ પૂરતા પ્રમાણમાં તેની ખરીદી કરાઈ નહી. રાજ્ય સરકારે માત્ર પોણા આઠ લાખ ટન મગફળીની જ ખરીદી કરી. આજે રપ લાખ ટન જેટલી મગફળી ખરીદાયા વગરની સડી રહી છે. ખેડૂતો પાયમાલ છે. સરકાર જો મન ફાવે તેવા નિર્ણયો એજન્ડા વગર લાવી શકતી હોય તો આ સડી રહેલ રપ લાખ ટન મગફળીની ખરીદીનું નિવેદન પણ જો ગૃહ સમક્ષ લઈને આવ્યા હોત તો અમે તાળીઓથી વધાવી લેત.

ધાનાણીએ કડક આલોચના કરતાં જણાવ્યું હતું કે, મગફળીની ખરીદીની પ્રક્રિયા છ મહિના પહેલાં એટલે કે લગભગ ચૂંટણી પહેલાનાં દિવસોમાં શરૂ થઈ ગઈ હતી, તેની કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી હતી અને વધારાની ખરીદીની મંજૂરી આપ્યા પછી એક મણ મગફળીની ખરીદી થઈ નથી, જે ખરીદી સત્વરે થવી જોઈએ.

ધાનાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, એજન્ડામાં સમાવ્યા સિવાયની બાબત અધવચ્ચે અને સરકાર મનફાવે તે રીતે ઉભી કરી શકે નહી. કૃષિપ્રધાને અગત્યની બાબત ગણીને નિવેદન રજૂ કર્યું અને અધ્યક્ષશ્રીએ પરવાનગી પણ આપી, આવી જ અગત્યની બાબતો વિપક્ષો પણ રજૂ કરી શકે છે. વિપક્ષના તેવર જોઈ સરકારે પોતાની ભૂલ સ્વીકારી હતી અને આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેવું જણાવ્યું હતું.

ધાનાણીએ કહ્યું કેગૃહની ગરિમા તો જ જળવાશે જ્યારે ગુજરાત વિધાનસભાએ ઘડેલા વિધાનસભાના નિયમોની મર્યાદામાં રહી સરકાર અને વિરોધપક્ષ ચાલે. લોકશાહીના પવિત્ર મંદિર જેવી વિધાનસભામાં ભાજપ ભયનું વાતાવરણ ઉભું કરી શાસનની નિષ્ફળતાઓને ઢાંકવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે. સત્તાપક્ષને નીતિ ઘડવાનો અધિકાર છે, પણ ગૃહની અંદર ભાજપ હોય કે કોંગ્રેસ, સત્તાપક્ષ હોય કે વિપક્ષ, ગૃહના નેતા હોય કે વિપક્ષના નેતા, એ ગુજરાતની જનતાની બે આંખો છે, જો એ વહીવટમાં સુધારો સૂચવે અને તે સુધારો સ્વીકારાય તો જનતાનું કલ્યાણ થાય.