3જી જૂને અમદાવાદમાં અઢી કિલોમીટરની મીની મેરેથોન, ભાગ લેવા કરો આટલું…

0
1000

અમદાવાદ– 5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભારત યજમાન દેશ છે. ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે આગામી ૩જી જૂન, રવિવારના રોજ અમદાવાદ ખાતે મીની મેરેથોનનું આયોજન કરાયું છે. જેમાં પ્લાસ્ટિક વપરાશમાં ઘટાડો, પુન:વપરાશ અને રીસાઇકલ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગીર ફાઉન્ડેશન, જીઇસી અને સીઆઇઆઇ દ્વારા યોજાનાર આ મેરેથોન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ, ટીવી ટાવર પાછળ, એન.એફ.ડી. સર્કલ પાસે, સારથિ પાર્ટી પ્લોટ સામે, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાશે. જેનો રૂટ 2.5 કિલોમીટરનો રહેશે. તેમાં 12 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ભાગ લઇ શકશે. આ મેરેથોનમાં જોડાવા માટે www.lssports.in/mm વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જે નિશુલ્ક છે. મેરેથોન સવારે ૬.૧૫ કલાકે શરૂ થશે. ભાગ લેનાર યુવાનોએ સવારે ૫.૩૦ કલાકે સ્થળ પર પહોંચવાનું રહેશે.

ભારત સરકાર દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણનો ઘટાડો કરવાના હેતુથી લોકજાગૃતિ કેળવવા માટે મીની મેરેથોનના આયોજન માટે ગુજરાતના અમદાવાદ શહેરની પસંદગી કરાઇ છે.વિશ્વ પર્યાવરણ દિનની આ વર્ષની થીમ ‘પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવીએ’ નિર્ધારીત કરાઇ છે. પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે જાગૃતિ આવે તે આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સુમદ્ર કિનારો સાફ કરવા સહિતના કાર્યક્રમો દેશભરમાં યોજાશે.