વિધાનસભાનો ઘેરાવ કરવા જતા કોંગી કાર્યકર્તાઓની અટકાયત

ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિધાનસભાના ઘેરાવને લઈને કોંગ્રેસની રણનીતી મૂજબ પરમીશન ન હોવા છતા પણ સભા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂતો વિધાનસભા ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા સમગ્ર મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.

વિધાનસભા સંકુલ બહાર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે દાદગીરી કરી હતી. વિધાનસભામાં પ્રવેશતા અટકાવતા MLA વિરજી ઠુમ્મરે મહિલા પોલીસ કર્મીને ધક્કો માર્યો હતો.

પોલીસે વિરજી ઠુમ્મરને અટકાવતા ગાંધીનગરના મહિલા પીએસઆઈ વિરજી ઠુમ્મરના રસ્તામાં આવી ગયા હતા. જે બાદમાં વિરજી ઠુમ્મરે ગુસ્સામાં આવીને તેમના ધક્કો મારી દીધો હતો. વિરજી ઠુમ્મરની પાછળ આવી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ પોલીસે અટકાવ્યા હતા. તેમનું પર્સ ચેક કરીને તેમને અંદર જવા દેવામાં આવ્યા હતા.