અલ્પેશ ઠાકોરની નિતીન પટેલ સાથે બંધબારણે લાંબી બેઠક, ભાજપમાં જોડાશે ?

ગાંધીનગર-લોકસભા ચૂંટણીનો ઉત્સાહ ઠરીઠામ થઈ રહ્યો છે અને રાજ્યમાં ફરી રાજકીય હલચલ સામે આવી રહી છે. ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યાં છે, તેવી વાતો જોરશોરથી ચર્ચાઈ રહી છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે, અને આચારસંહિતાનો અંત પણ આવી ગયો છે. ત્યારે આજે અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ડેપ્યીટી સીએમ નિતીનભાઈ પટેલ સાથે બંધબારણે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીમાં પડદા પાછળ ઠાકોર સમાજે ભાજપને સમર્થન આપ્યું હતું, ત્યારથી એમ કહેવાતું હતું કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ડેપ્યૂટી સીએમ નિતીન પટેલ સાથે પહેલાં દોઢ કલાક અને બાદમાં એન્ટી ચેમ્બરમાં 20 મીનીટ સુધી બંધબારણે ચર્ચા કરી હતી. જો કે અલ્પેશ ઠાકોરે આ મુલાકાતને પોતાના વિસ્તારના કામ માટે કરી હોવાનું જણાવ્યું હતું. પાણીની સમસ્યા અંગે ચર્ચા વિચારણા થઈ હોવાનું કહ્યું હતું. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે, તેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે હજી તમે રાહ જુઓ. કેબિનેટ પ્રધાન બને છે, તે બાબતે અલ્પેશે કહ્યું કે એ હું ના કહી શકું અને એ બધું હું નક્કી ન કરી શકું.

અલ્પેશ ઠાકોર અને નિતીન પટેલની આજની બેઠક બહુ જ મહત્વની માનવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે, તે વાત નક્કી છે, પણ તે કેવી રીતે અને કેબિનટમાં સ્થાન મળશે કે નહીં, તે વાત હજી સ્પષ્ટ નથી. નિતીન પટેલ સાથે આ બધા મુદ્દા પર ચર્ચા થઈ હશે, તેમ સૂત્રોનું માનવું છે.