પ્રમુખસ્વામી મહારાજે જ્યારે લોકનાયક વાજપેયીને આશીર્વાદ આપ્યા હતા!

ગાંધીનગર – ભારતના મહાન લોકનાયક અટલબિહારી વાજપેયી મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ સાથે વિરલ સ્નેહભાવ ધરાવતા હતા. અનેક મુશ્કેલીઓ અને રાજકીય ચઢાવ-ઊતાર વચ્ચે વાજપેયીએ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આત્મશ્રદ્ધાને વિશેષ દ્રઢાવી હતી. સન 1999માં પુનઃ ભારતના વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળીને વાજપેયી પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવવા ગાંધીનગર ખાતે આવ્યા હતા ત્યારે તેમને આશીર્વાદ આપતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વાજપેયીને કહ્યું હતું કે ‘તમે સાચા હૃદયે દેશભક્તિથી કાર્ય કરો છો, માટે તમારો યશ શાશ્વત રહેશે.’

આજે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના એ શબ્દો યાદ આવી રહ્યા છે.  વાજપેયીને આશીર્વાદ આપતા પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘તમે દેશના સાચા સમર્પિત સપૂત છો, તમારા હૃદયમાં દેશના વિકાસની સાચી ભાવના છે, તેથી જેમ અનેક વિઘ્નો વચ્ચે પણ પાંડવોનો રથ શ્રદ્ધાથી દોડતો હતો, તેમ દેશના વિકાસ માટેના તમારા સંકલ્પોનો વિજય રથ પણ દોડશે.’

ગઈકાલે વાજપેયીએ નવી દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ અર્પતાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાજપેયી અને પ્રમુખસ્વામી મહારાજના વિરલ આદરભર્યા સંબંધોની સ્મૃતિ કરી હતી. પૂજ્ય મહંત સ્વામી મહારાજે વડોદરા ખાતે હજારોની ભક્તમેદની વચ્ચે વાજપેયીના તીરોધાન પ્રસંગે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી. તેઓએ જણાવ્યું કે ‘આદરણીય વાજપેયીએ પોતાનું સમગ્ર જીવન દેશસેવા અને લોકસેવા માટે સમર્પિત કર્યું હતું. તેઓ સાચા અર્થમાં એક વિરલ ભારતરત્ન હતા, જેમણે સમરસતાથી દેશના ઉદ્ધારનું એક નવીન સ્વપ્ન સેવ્યું હતું. સ્વાર્થ અને કપટથી રહિત વાજપેયી એક અત્યંત ભાવનામય, સંવેદનશીલ અને ઋજુ હૃદયના મહામાનવ હતા. કરોડો ભારતવાસીઓના દુઃખ-દર્દને તેમણે પોતાનું દુઃખ-દર્દ માન્યું હતું. પ્રખર ચિંતક, પ્રખર કવિ, પ્રખર વક્તા, પ્રખર રાજનેતા, પ્રખર લોકસેવક અને પ્રખર દૃષ્ટા વાજપેયી માટે જેટલું લખાય તેટલું અલ્પોક્તિ છે. દાયકાઓની તેમની તપસ્યાએ ભારતને અનેક ચિરંતન પ્રદાનો આપ્યાં છે. દેશના વિકાસ માટે તેમણે વાવેલાં બીજ આજે વટવૃક્ષ બની રહ્યાં છે. તેમના ઉન્નત વિચારો માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના રાજનેતાઓ માટે એક આદર્શ ચીંધતા રહેશે. તેમની વિદાયથી ભારતે એક વિરલમહામાનવ ગુમાવ્યા છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વતી તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પું છું.’