સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

0
2022

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો અન્ય કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આજે સવારથી ગુજરાતના ગીર સોમનાથના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. તો તાલાલા અને વેરાવળ પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને લઈ ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો અને સાથે જ ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો બીજીતરફ અમદાવાદ, વલસાડ, અરવલ્લી જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

વલસાડની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. વરસાદનું આગમન થતા જ ગરમીથી લોકોને રાહત મળી છે. તો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને 24 કલાક સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.