ગુજરાતમાં 72 કલાકમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ– ગુજરાતમાં શુક્રવારથી 4 દિવસ દરમિયાન કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી પડવાની આગાહી કરાઈ છે. જેથી નાગરિકોએ સાવેચત રહેવા સૂચના છે. કામ વગર કોઈને બહાર ન નીકળવા અને ગરમ કપડાં પહેરવા હિતાવહ છે. દિનપ્રતિદિન ગુજરાતમાં ઠંડી વધી રહી છે, અને ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. ગુરુવારે નલીયામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 6.6 ડિગ્રી અને ડીસામાં 9 ડિગ્રી રહ્યો હતો. તેની સાથે મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. જો કે આવતીકાલ શુક્રવારથી ઠંડીના પ્રમાણમાં વધારો થશે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી, અમદાવાદમાં 10.5 ડિગ્રી અને વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 12.3 ડિગ્રી, વલસાડમાં 10.6 ડિગ્રી અને ભાવનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું.