મુંબઈ સીરિયલ બ્લાસ્ટનો આતંકી અહમદ લંબૂ ગુજરાતમાંથી ઝડપાયો

અમદાવાદઃ ગુજરાત એટીએસે 1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટ સાથે જોડાયેલા અને આતંકવાદી અહમદ લંબૂને વલસાડથી પકડી લીધો છે. લંબૂ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સાગરીત માનવામાં આવે છે અને તે પોતે પણ વોન્ટેડ હતો. એટીએસે ગઈકાલે રાત્રે એક વિશેષ કાર્યવાહી અંતર્ગત કરવામાં આવેલ રેઇડ દરમિયાન લંબૂને પકડી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈએ અહમદ લંબૂને પકડવા માટે લૂક આઉટ નોટિસ અને ઈન્ટરપોલને પણ સૂચના આપી દીધી હતી. અહમદ લંબૂ મામલે જાણકારી આપનારા વ્યક્તિ માટે પાંચ લાખ રૂપિયાની ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે ગત વર્ષે જ સ્પેશિયલ ટાડા કોર્ટે 1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં મહત્વનો ચૂકાદો આપતા દાઉદના નજીકના રહેલા માફિયા અબૂ સલેમ સહિત છ જેટલા આતંકીઓને સજા સંભળાવી હતી. અબૂ સલેમ સિવાય જે આતંકવાદીઓને સજા સંભળાવવામાં આવી હતી તેમાં મુસ્તફા દૌસા, અબ્દૂલ રાશિદ ખાન, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લાહ ખાન અને તાહેર મર્ચન્ટનો સમાવેશ થાય છે.

અબૂ સલેમને દેશ વિરૂદ્ધ યુદ્ધ છેડવાનો દોષી માનતા આજીવનકેદની સજા સંભળાવવામાં આવી છે. અહબ્દૂલ ક્યૂમ નામના આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો. 1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં ટાડા કોર્ટનો નિર્ણય આવ્યાના થોડા દિવસોમાં જ મુસ્તફા દોસાનું મૃત્યુ થયું હતું. તો યરવડા જેલમાં બંધ તાહેર મર્ચન્ટને પણ હાર્ટ એટેક આવવાથી તેનું મૃત્યું થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ બોંબ બ્લાસ્ટ બાદ મુસ્તફા દૌસાએ જ અહમદ લંબૂને ભાગી જવા માટે મદદ કરી હતી. આપને જણાવી દઈએ કે 1993માં મુંબઈમાં બે કલાકની અંદર જ 12 મોટા બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 257 લોકોનો મોત થયા હતા અને 700થી વધારે લોકો ઘાયલ થયા હતા.